ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સામાન્ય નાગરિકો અને ખાસ કરીને બેંકિંગ સુવિધાઓથી વંચિત વર્ગ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણય લીધો છે. RBI દ્વારા ઘરેલુ મની ટ્રાન્સફર (Domestic Money Transfer - DMT) સંબંધિત નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે, જે 11 નવેમ્બર, 2026 થી સમગ્ર દેશમાં અમલમાં આવી ગયો છે. આ નવી માર્ગદર્શિકા મુજબ, હવે કોઈ પણ વ્યક્તિ પોતાનું બેંક ખાતું ન હોવા છતાં પણ સરળતાથી પૈસા મોકલી અને મેળવી શકશે.
પૂરતા દસ્તાવેજ કે ઓળખ નથી તેનું બેંક ખાતુ ખોલાવાશે
આ નિયમોને એકીકૃત અને સરળ બનાવવા પાછળ RBI નો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને નાણાકીય પ્રવાહ સાથે જોડવાનો છે, જેમની પાસે બેંક ખાતું ખોલાવવા માટે જરૂરી ઓળખ કે સરનામાના પૂરતા દસ્તાવેજો નથી. આ સુવિધાનો સૌથી મોટો ફાયદો અન્ય શહેરો કે રાજ્યોમાં જઈને રોજગારી મેળવતા મજૂરો અને સ્થળાંતરિત કામદારોને થશે, જેમને પોતાના પરિવારને વતનમાં પૈસા મોકલવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી.
નજીકની કોઈપણ બેંક શાખાની મુલાકાત લઇ શકો
નવી માર્ગદર્શિકા અનુસાર, હવે કોઈપણ વ્યક્તિ બેંકનો નિયમિત ગ્રાહક ન હોવા છતાં નજીકની કોઈપણ બેંક શાખાની મુલાકાત લઈ શકે છે. ત્યાં 'કેશ પે-ઇન' (Cash Pay-in) સુવિધા અને NEFT (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર) ના માધ્યમથી એક જ વ્યવહારમાં અન્ય વ્યક્તિના બેંક ખાતામાં ₹50,000 સુધીની રકમ રોકડ જમા કરાવીને ટ્રાન્સફર કરી શકાય છે. આ ઉપરાંત, બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (BC) અને ATM દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે, જોકે આ માધ્યમો માટે વ્યવહારની મર્યાદા અલગ-અલગ નક્કી કરવામાં આવી છે.
RBI એ કેશ પે આઉટના નિયમો પણ કર્યા સ્પષ્ટ
માત્ર પૈસા મોકલવા માટે જ નહીં, પરંતુ જેમની પાસે બેંક ખાતું નથી તેમને પૈસા મળી રહે તે માટે પણ RBI એ 'કેશ પે-આઉટ' (Cash Pay-out) સેવાના નિયમો સ્પષ્ટ કર્યા છે. આ સુવિધા હેઠળ, બેંકો તેમના ખાતાધારકોના ખાતામાંથી એવા વ્યક્તિઓને પૈસા ટ્રાન્સફર કરી શકશે જેમનું કોઈ બેંક એકાઉન્ટ નથી. લાભાર્થી વ્યક્તિ ATM, બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ અથવા અન્ય અધિકૃત ચુકવણી ચેનલો પર જઈને આ રકમ રોકડમાં મેળવી શકશે. આ સેવા અંતર્ગત એક વ્યવહારમાં મહત્તમ ₹10,000 રોકડ ઉપાડી શકાશે, જ્યારે એક વ્યક્તિ સમગ્ર મહિના દરમિયાન વધુમાં વધુ ₹25,000 સુધીની રકમ મેળવી શકશે. RBI નું આ પગલું દેશમાં નાણાકીય સમાવેશને વધુ મજબૂત બનાવશે.
આ પણ વાંચોઃ Italy: 6000થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જ્યોર્જિયા મેલોનીની કારને ઉડાવી દેવાની મળ ધમકી