યુરોપના અનેક દેશોમાં શાળાઓ અને જાહેર સંસ્થાઓને નિશાન બનાવીને મોકલવામાં આવેલા નકલી બોમ્બ ધમકીભર્યા ઇમેઇલ્સે ભારે હંગામો અને ફફડાટ મચાવી દીધો છે. આ ઘટનાક્રમની સૌથી મોટી અસર ઇટાલીમાં જોવા મળી હતી, જ્યાં સાવચેતીના ભાગરૂપે 300 થી વધુ શાળાઓને તાત્કાલિક ખાલી કરાવવાની ફરજ પડી હતી. ઇટાલી ઉપરાંત સ્કોટલેન્ડ, ઉત્તરી આયર્લેન્ડ અને આયર્લેન્ડ રિપબ્લિકની શાળાઓને પણ આવા જ ધમકીભર્યા સંદેશાઓ મળ્યા હતા. જોકે સુરક્ષા અધિકારીઓએ તપાસ બાદ આ ધમકીઓને નકલી ગણાવીને ફગાવી દીધી હતી, પરંતુ સમગ્ર યુરોપમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
શાળાઓમાં બોમ્બની અફવાથી ભારે ફફડાટ
ઇટાલીમાં શાળાઓ ખાલી કરાવવાના સમાચાર મળતા જ ગભરાયેલા વાલીઓ પોતાના બાળકોને લેવા માટે શાળાઓ તરફ દોડી ગયા હતા. રોમની એક શાળાની વિદ્યાર્થિનીની માતા નેન્સી બેગોએ જણાવ્યું હતું કે, અચાનક થયેલી આ કાર્યવાહીથી બાળકો ડરી ગયા હતા અને રડવા લાગ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા શાળા પ્રશાસને મેસેજિંગ એપ્સ દ્વારા વાલીઓને જાણ કરી હતી કે તમામ બાળકો સુરક્ષિત છે. ચોંકાવનારી વાત એ છે કે, એક ધમકીભર્યા ઇમેઇલમાં ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોનીની કારમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જોકે, પીએમ મેલોનીએ સ્પષ્ટ કર્યું કે આ ધમકીઓથી કોઈ વાસ્તવિક ખતરો નથી અને પોલીસ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
