રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ રેપો રેટમાં વધારો કર્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠકના પરિણામો જાહેર કરતી વખતે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી રેપોરેટ 5.25% થી વધીને 5.50% થયો છે.

લોન થશે મોંઘી 

પોલિસી વ્યાજ દરમાં થયેલા આ વધારાની અસર સામાન્ય માણસ પર પડશે, કારણ કે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના EMI (હપ્તા) વધશે. જો તમારી પાસે હોમ લોન હોય, તો ચાલો જોઈએ કે RBI દ્વારા વ્યાજ દરમાં કરવામાં આવેલા વધારા બાદ તમારા EMIમાં કેટલો વધારો થશે.

₹20 લાખની લોન માટે EMIમાં કેટલો વધારો થશે?

ધારો કે કોઈ વ્યક્તિએ બેંક પાસેથી 20 વર્ષના સમયગાળા માટે 7.5%ના વ્યાજ દરે ₹20 લાખની હોમ લોન લીધી છે.  તો હાલનો EMI ₹16,112 થાય છે. જો કે, RBI દ્વારા 25 બેઝિસ પોઈન્ટ (અથવા 0.25%)નો વધારો કર્યા પછી, વ્યાજ દર 7.75% થઈ જશે. આ ગણતરીના આધારે, ₹20 લાખની લોન માટે માસિક EMI વધીને ₹16,419 થશે. એટલે કે દર મહિને ₹307ની વધારાની ચુકવણી કરવી પડશે.

₹30 લાખની લોન માટેની ગણતરી

હવે, એવી સ્થિતિનો વિચાર કરો કે જેમાં કોઈ વ્યક્તિએ 20 વર્ષ માટે 7.50%ના વ્યાજ દરે ₹30 લાખની લોન લીધી છે. હાલમાં, માસિક EMI ₹24,168 હશે,  પરંતુ, RBI દ્વારા 25-બેઝિસ-પોઈન્ટના વધારા બાદ દર 7.75% થતાં, માસિક EMI વધીને ₹24,628 થઈ જશે. આનો અર્થ એ છે કે દર મહિને વધારાના ₹460 ચૂકવવા પડશે.


₹50 લાખની લોન: EMI કેટલો હશે?

ચાલો ₹50 લાખની હોમ લોન માટેના આંકડાઓની ગણતરી કરીએ. જો કોઈ વ્યક્તિએ 7.5%ના વ્યાજ દરે 20 વર્ષ માટે આટલી રકમની લોન લીધી હોય, તો તેઓ હાલમાં ₹40,280નો માસિક EMI ચૂકવતા હશે. જોકે, જો વ્યાજ દર વધીને 7.75% થાય, તો EMI વધીને ₹41,047 થઈ જશે. આનો અર્થ એ છે કે લોન લેનારે દર મહિને વધારાના ₹767 ચૂકવવા પડશે.

EMI ગણતરીનું સૂત્ર

P x R x (1+R)^N / [(1+R)^N-1]

P = લોનની રકમ

N = લોનનો સમયગાળો (મહિનામાં)

R = માસિક વ્યાજ દર

તમારી લોન પરનો વ્યાજ દર (R) માસિક ધોરણે ગણવામાં આવે છે. તમે આ સૂત્રનો ઉપયોગ કરીને તે નક્કી કરી શકો છો: વાર્ષિક વ્યાજ દર / 12 / 100.


લગભગ ચાર વર્ષ પછી રેપો દરમાં વધારો

નોંધનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લગભગ ચાર વર્ષના અંતરાલ પછી રેપો દરમાં વધારો કર્યો છે. આ પહેલાં, રેપો દરમાં છેલ્લે ફેબ્રુઆરી 2023માં વધારો કરવામાં આવ્યો હતો. વર્તમાન વર્ષની વાત કરીએ તો, છેલ્લી ત્રણ બેઠકો દરમિયાન આ દર 5.25% પર સ્થિર રહ્યો હતો. જોકે, તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ, મધ્યસ્થ બેંકે દરમાં વધારો કરીને તેને 5.50% કરી દીધો, જે લોન લેનારાઓ માટે એક આંચકા સમાન છે.


આ પણ વાંચો: RBI Repo Rate: લોન લેનારાઓને ઝટકો... RBIએ 0.25 ટકાનો રેપોરેટમાં કર્યો વધારો