ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા દેશના વિદેશી મુદ્રા ભંડારને મજબૂત બનાવવા શરૂ કરાયેલી વિશેષ યોજનાઓને નોંધપાત્ર સફળતા મળી રહી છે. RBIના તાજેતરના આંકડા મુજબ, 31 જુલાઈ 2026 સુધીમાં આ યોજનાઓ મારફતે ભારતને કુલ 40.81 અબજ અમેરિકી ડોલર (આશરે ₹3.5 લાખ કરોડ)ની વિદેશી મૂડી મળી છે. આ પગલાથી દેશના વિદેશી મુદ્રા ભંડારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિનિમય દરમાં થતા ફેરફારનું જોખમ પણ ઓછું

આ યોજનાઓમાં સૌથી મોટો ફાળો ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ (FCNR) ડિપોઝિટ યોજનાનો રહ્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 36.72 અબજ ડોલર જમા થયા છે, આ રકમ માત્ર બે મહિનાથી પણ ઓછા સમયમાં પ્રાપ્ત થઈ છે. આ આંકડો વર્ષ 2013માં નોંધાયેલા 26 અબજ ડોલરના અગાઉના રેકોર્ડને પણ પાછળ છોડી ગયો છે. FCNR યોજના હેઠળ વિદેશમાં રહેતા ભારતીયો પોતાની વિદેશી કરન્સી, જેમ કે અમેરિકી ડોલર, ભારતની બેન્કોમાં જમા કરાવી શકે છે. તેમને આ જમા પર આકર્ષક વ્યાજ મળે છે તેમજ વિનિમય દરમાં થતા ફેરફારનું જોખમ પણ ઓછું રહે છે. RBIએ બેન્કોને સપ્ટેમ્બરના અંત સુધી ઝીરો-કોસ્ટ હેજિંગ હેઠળ આ જમા રકમનું સ્વેપ કરવાની પણ સુવિધા આપી છે.

વૈશ્વિક આર્થિક પડકારોનો સામનો કરવામાં મદદરૂપ

17 જુલાઈ સુધી FCNR હેઠળ 20.72 અબજ ડોલર જમા થયા હતા, પરંતુ માત્ર બે અઠવાડિયામાં આ રકમ વધીને 36.72 અબજ ડોલર થઈ ગઈ, એટલે કે અંદાજે 77 ટકાનો વધારો નોંધાયો. ઉપરાંત, એક્સ્ટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) દ્વારા 1.51 અબજ ડોલર અને ઓવરસીઝ ફોરેન કરન્સી બોરોઇંગ (OFCB) દ્વારા 2.57 અબજ ડોલરની મૂડી પણ દેશમાં આવી છે. ઊંચા વ્યાજદર અને જૂના FCNR ડિપોઝિટના રિ-ઇન્વેસ્ટમેન્ટને કારણે આગામી મહિનાઓમાં વધુ વિદેશી મૂડી ભારત આવી શકે છે. અંદાજ મુજબ માર્ચ 2027 સુધી RBIની આ યોજનાઓથી 40થી 50 અબજ ડોલરની વધારાની વિદેશી મૂડી પ્રાપ્ત થઈ શકે છે, જે રૂપિયાને સ્થિર રાખવા અને વૈશ્વિક આર્થિક પડકારોનો સામનો કરવામાં મદદરૂપ બનશે. UAEમાં વસતા ભારતીયોએ પણ આ યોજનામાં સૌથી વધુ રોકાણ કરીને મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.

આ પણ વાંચો : Anil Ambani વિરૂદ્ધ CBIએ દાખલ કરી FIR, જાણો શું લાગ્યો છે આરોપ