ગયા અઠવાડિયે શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી છ કંપનીઓએ બજારની ઉથલપાથલ વચ્ચે પણ રોકાણકારોને નફો અપાવ્યો, જ્યારે ચાર કંપનીઓના રોકાણકારોને નુકસાન સહન કરવું પડ્યું. પાંચ ટ્રેડિંગ દિવસોમાં સૌથી વધુ કમાણી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રોકાણકારોએ કરી, જેમને 24,000 કરોડથી વધુનો ફાયદો થયો છે. આ દરમિયાન BSE સેન્સેક્સમાં કુલ 177 અંકનો ઉછાળો નોંધાયો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો દબદબો યથાવત
સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાં મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી આગળ રહી. આ ઉપરાંત ICICI બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, L&T, બજાજ ફાયનાન્સ અને LICએ પણ રોકાણકારોને ફાયદો કરાવ્યો. બીજી તરફ HDFC બેન્ક, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને હિન્દુસ્તાન યુનિલીવરના રોકાણકારોને નુકસાન વેઠવું પડ્યું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન ગયા અઠવાડિયે વધીને ₹18.33 લાખ કરોડ સુધી પહોંચી ગયું. આ રીતે કંપનીના રોકાણકારોએ માત્ર પાંચ દિવસમાં જ અંદાજે ₹24,697 કરોડની કમાણી કરી. શેરના પ્રદર્શનની વાત કરીએ તો રિલાયન્સનો શેર લગભગ 2.50 ટકાની તેજી સાથે ₹1,358 પર બંધ થયો. રિલાયન્સ સિવાય ટાટા ગ્રુપની TCSની માર્કેટ વેલ્યુમાં ₹19,339 કરોડનો વધારો થયો અને તે ₹8.38 લાખ કરોડ સુધી પહોંચી.
આ કંપનીઓની માર્કેટકેપ વધી
- ICICI બેન્કની માર્કેટ કેપ રૂપિયા 14,516 કરોડ વધીને ₹9.07 લાખ કરોડ થઈ.
- LICનું માર્કેટ કેપ ₹9,076 કરોડ વધીને ₹5.14 લાખ કરોડ થયું.
- બજાજ ફાયનાન્સનું માર્કેટ કેપ ₹3,798 કરોડ વધીને ₹5.70 લાખ કરોડ થયું.
- L&Tનું માર્કેટ કેપ ₹2,686 કરોડ વધી ₹5.40 લાખ કરોડ સુધી પહોંચ્યું.
આ પણ વાંચો : India US Trade Deal: એસ. જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે દિલ્હીમાં બેઠક, ઉર્જા સંકટ પર થઇ ચર્ચા