રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL)એ નાઈજીરીયાના ટ્રોપિકલ જનરલ ઈન્વેસ્ટમેન્ટ્સ (TGI) ગ્રુપ સાથે એક જોઈન્ટ વેન્ચર બનાવ્યું છે, જેનો હેતુ આફ્રિકાના સૌથી મોટા ગ્રાહક બજારોમાંના એકમાં તેનો વ્યવસાય વિસ્તારવાનો છે. મુકેશ અંબાણીની રિલાયન્સે TGI ગ્રુપ સાથે બહુમતી માલિકીનું જોઈન્ટ વેન્ચર બનાવવા માટે અંતિમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેને કાનૂની અને નિયમનકારી મંજૂરીઓ મળવાની બાકી છે.
અનુભવ અને નેટવર્કનો લાભ લેશે
આ જોઈન્ટ વેન્ચર દ્વારા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ નાઈજીરીયામાં ગ્રાહકોને FMCG ઉત્પાદનોની વિશાળ રેન્જ રજૂ કરશે, જે TGIના સ્થાપિત FMCG ઉત્પાદન અને વિતરણ અનુભવ અને નેટવર્કનો લાભ લેશે. RCPLના ડિરેક્ટરે જણાવ્યું કે TGI ગ્રુપની સાથેનું આ જોઈન્ટ વેન્ચર RCPLની વૈશ્વિક FMCG ખેલાડી બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે. કંપની પહેલાથી જ મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને આફ્રિકાના આંતરરાષ્ટ્રીય બજારોમાં હાજર છે. કંપનીનો ઉદ્દેશ્ય ભારતમાંથી એક અગ્રણી વૈશ્વિક FMCG કંપની તરીકે સ્થાપિત કરવાનો છે, જે પોસાય તેવા ભાવે વૈશ્વિક ગુણવત્તાવાળા ઉત્પાદનો પ્રદાન કરે છે.
કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે આ નાઈજીરીયાના મહત્વપૂર્ણ બજારમાં પ્રવેશ કરતી વખતે RCPLની વૈશ્વિક બજારમાં હાજરીને વિસ્તૃત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે TGI ગ્રુપ FMCG, રસોઈ અને કૃષિ વ્યવસાય જેવા ક્ષેત્રોમાં ઊંડી કુશળતા ધરાવતો વિશ્વસનીય ભાગીદાર છે.
શું બનાવે છે TGI ગ્રુપ?
RIL યુનિટ સાથેની ભાગીદારી અંગે ટિપ્પણી કરતા TIG ગ્રુપના ગ્રુપ એમડી રાહુલ સવારાએ જણાવ્યું હતું કે કંપનીને નાઈજીરીયા અને પશ્ચિમ આફ્રિકામાં વિકાસને વેગ આપવા માટે RCPL સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે. સવારાએ વધુમાં ઉમેર્યું હતું કે નાઈજીરીયા વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષક વિકાસ બજારોમાંનું એક છે, અને TGI ગ્રુપ RCPL સાથે મજબૂત અને ટકાઉ વિકાસ પ્લેટફોર્મ બનાવવા માટે આતુર છે. TGI ખોરાક, FMCG, કૃષિ ઈનપુટ્સ, ઔદ્યોગિક રસાયણો, હોમ કેર પ્રોડક્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરે છે, જેમાં બ્રાન્ડ્સ દરરોજ લાખો ગ્રાહકો સુધી પહોંચે છે. તે આફ્રિકામાં ઉત્પાદિત અને મૂલ્યવર્ધિત કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ્સ માટે એક મજબૂત નિકાસ પ્લેટફોર્મ પણ જાળવી રાખે છે.
આ પણ વાંચો : Business : ભારતીય એક્સપોર્ટનો દબદબો, દુનિયામાં વેચાશે 860 બિલિયન ડોલરનો સામાન