કાર ભાડા (Car Rental) નો વ્યવસાય શરૂ કરવા માંગતા નવા ઉદ્યોગસાહસિકો અને નાના વેપારીઓ માટે કેન્દ્ર સરકાર એક મોટી રાહત લઈને આવી રહી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા સ્વ-ડ્રાઇવ (Self-drive) અને ડ્રાઇવર સાથેની કાર ભાડા સેવાઓ શરૂ કરવા માટેના નિયમોને અત્યંત સરળ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ માટે મંત્રાલયે "ધ રેન્ટ-એ-કેબ સ્કીમ, 2026" નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે, જે જાન્યુઆરી 2027 થી અમલમાં આવવાની શક્યતા છે.

હવે માત્ર 5 કેબમાં શરૂ કરી શકાશે બિઝનેસ

નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, હવે કાર ભાડાનો વ્યવસાય શરૂ કરવા માટે ઓછામાં ઓછા 50 વાહનો રાખવાની જૂની અને કડક શરતને નાબૂદ કરીને તે મર્યાદા ઘટાડીને માત્ર પાંચ (5) મોટર કેબ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, પાંચ અલગ-અલગ શહેરોમાં શાખાઓ હોવાની અનિવાર્યતા પણ દૂર કરવામાં આવી છે. નવા માળખા હેઠળ અરજદાર પાસે કુલ ઓછામાં ઓછી પાંચ મોટર કેબ હોવી જરૂરી છે, અને વ્યવસાયિક કામગીરી તથા જાળવણીના દરેક સ્થાન પર ઓછામાં ઓછી બે કેબ ઉપલબ્ધ રાખવાની રહેશે.

નવા સાહસિકોને મળશે મોકળું મેદાન

આ નવી યોજના વર્ષ 1989ના જૂના નિયમોનું સ્થાન લેશે. અત્યાર સુધી 50 વાહનોની જરૂરિયાત હોવાને કારણે ઓછી મૂડી ધરાવતા નાના વ્યવસાયો માટે આ ક્ષેત્રમાં પ્રવેશવું લગભગ અશક્ય હતું. પરંતુ હવે માત્ર પાંચ કારથી શરૂઆત કરવાની છૂટ મળતા બજારમાં નવા સાહસિકો માટે મોકળું મેદાન તૈયાર થશે અને સ્પર્ધા વધતા ગ્રાહકોને પણ બહેતર સેવાઓ મળશે.

સુરક્ષા અને વાહનોની કાયદેસરતા પર પણ ખાસ ભાર મૂક્યો

નિયમો હળવા કરવાની સાથે સરકારે મુસાફરોની સુરક્ષા અને વાહનોની કાયદેસરતા પર પણ ખાસ ભાર મૂક્યો છે. ડ્રાફ્ટ યોજના અનુસાર, ભાડે આપવામાં આવતા દરેક વાહનનો વ્યાપક વીમો (Comprehensive Insurance) હોવો ફરજિયાત રહેશે, જેમાં વાહન ભાડે લેનાર વ્યક્તિ, ડ્રાઇવર અને ક્ષમતા મુજબના તમામ મુસાફરોને આવરી લેવા જરૂરી છે. વધુમાં, વ્યવસાયમાં સામેલ વાહન પર મોટર વાહન અધિનિયમ હેઠળ કોઈ પણ પેન્ડિંગ ચલણ ન હોવું જોઈએ અને તે વાહન નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ફોજદારી ડેટાબેઝમાં નોંધાયેલું ન હોવું જોઈએ. આ નિર્ણયથી નાના વેપારીઓ માટે રોજગારી અને વ્યવસાયની નવી તકો ખૂલશે.

આ પણ વાંચોઃ Jensen Huang ના રાજીનામા પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ખુલાસો, કહ્યુ કે તેઓ નરક માંથી પસાર થઇ રહ્યા છે...