વિશ્વની દિગ્ગજ ટેક કંપની Nvidiaના CEO પદેથી જેન્સેન હુઆંગના અચાનક રાજીનામા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે રાજીનામા પહેલા હુઆંગે તેમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ અત્યારે "નરકમાંથી પસાર થઈ રહ્યા છે." ટ્રમ્પના જણાવ્યા મુજબ, હુઆંગ પોતાના કરતાં વધુ પોતાની પત્ની અને પરિવાર પર આ વિવાદની પડી રહેલી અસરને લઈને ચિંતિત હતા. ટ્રમ્પે તેમને કંપનીમાં પોતાનું પદ બચાવવા માટે લડવાની સલાહ આપી હતી, પરંતુ અંતે ગુરુવારે હુઆંગે પદ છોડવાનો નિર્ણય લીધો હતો.
કોલેટ ક્રેસને વચગાળાના CEO તરીકે નિયુક્ત કર્યા
હુઆંગના રાજીનામા બાદ Nvidiaના બોર્ડે કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) કોલેટ ક્રેસને વચગાળાના CEO તરીકે નિયુક્ત કર્યા છે, જ્યાં સુધી કાયમી ઉત્તરાધિકારીની શોધ પૂર્ણ ન થાય. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સિંગાપોર સ્થિત મેગાસ્પીડ ઇન્ટરનેશનલના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ અને ચીની ઉદ્યોગપતિ એલિસ હુઆંગ સાથે જેન્સેન હુઆંગના અંગત સંબંધો હોવાના અહેવાલો સામે આવ્યા. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને શંકા હતી કે એલિસ હુઆંગ ચીન માટે જાસૂસી કરી રહી હતી. આ ગંભીર આરોપો બાદ યુએસ અધિકારીઓ અને Nvidiaના બોર્ડે આંતરિક તપાસ શરૂ કરી હતી. જોકે, ચીને જાસૂસીના તમામ દાવાઓને ફગાવી દીધા છે અને કંપનીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમના વ્યવસાયિક રહસ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ ચેડા થયા નથી.
