સોશિયલ મીડિયા પર વ્યૂ અને લાઈક્સ મેળવવાની ઘેલછા ક્યારેક કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો પાકિસ્તાનના લાહોરમાંથી સામે આવ્યો છે. લાહોરના કાહના વિસ્તારમાં ટિકટોક વીડિયો બનાવવા માટે પાંજરામાંથી બહાર કાઢવામાં આવેલી એક સિંહણે અચાનક હુમલો કરતા 19 વર્ષીય યુવકનું કરુણ મોત નિપજ્યું છે. આ ભયાનક ઘટના સમયે મૃતક યુવકના પિતા અને ભાઈ પણ ત્યાં હાજર હતા.
ટિકટોક વીડિયો માટે સિંહણ છોડતા યુવકનું મોત
ઘટનાની વિગતો મુજબ, લાહોરનો જાણીતો ટિકટોકર નૌમાન હસન વીડિયો શૂટ કરવા માટે એક ફાર્મહાઉસ પર પહોંચ્યો હતો. શૂટિંગ માટે તેણે એક સિંહણને પાંજરામાંથી બહાર મુક્ત કરાવી હતી. આ દરમિયાન ફાર્મહાઉસમાં કામ કરતો 19 વર્ષીય તલ્હા પણ ત્યાં હાજર હતો. શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે સિંહણ અચાનક બેકાબૂ બની ગઈ હતી અને તલ્હા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા તલ્હાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પિતાની નજર સામે સિંહણે યુવકને ફાડી ખાધો
દુઃખદ બાબત એ છે કે આ સમગ્ર ઘટના તલ્હાના પિતા અને ભાઈ હાશિમની નજર સામે બની હતી, જેઓ પણ આ જ ફાર્મહાઉસમાં કામ કરતા હતા. ઘટના બાદ આરોપીઓએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને શરૂઆતમાં એવું જૂઠાણું ફેલાવ્યું હતું કે તલ્હાનું મોત કૂતરાના કરડવાથી થયું છે. જોકે, કાહના પોલીસે તપાસ હાથ ધરતા સમગ્ર સત્ય બહાર આવ્યું હતું અને સ્પષ્ટ થયું હતું કે યુવકના શરીર પરના ઘા સિંહણના હુમલાના જ છે.
https://www.instagram.com/reel/DfW3KvJxSdO/?utm_source=ig_web_copy_link&exln=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==
ત્રણ શખ્સોની ધરપકડ કરી
પોલીસે તલ્હાના પિતાની ફરિયાદના આધારે વન્યજીવન અધિનિયમ હેઠળ ગુનો નોંધીને ફાર્મહાઉસના માલિક ફૈયાઝ ઉર્ફે ફૈઝી અને ટિકટોકર નૌમાન હસન સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તપાસમાં એ પણ ખૂલ્યું છે કે આ ફાર્મહાઉસનું બ્રીડિંગ લાયસન્સ વર્ષ 2025માં જ સમાપ્ત થઈ ગયું હતું, તેમ છતાં અહીં ગેરકાયદેસર રીતે હિંસક પ્રાણીઓ રાખવામાં આવ્યા હતા. પોલીસે ફાર્મહાઉસમાંથી કુલ 33 સિંહો જપ્ત કરીને વન્યજીવન વિભાગને સોંપ્યા છે.
જોખમી સ્ટંટ કરવા બદલ વિવાદમાં આવ્યા
ઉલ્લેખનીય છે કે ટિકટોકર નૌમાન હસન અગાઉ પણ વાઘ અને સિંહ સાથે જોખમી સ્ટંટ કરવા બદલ વિવાદમાં આવી ચૂક્યો છે. 2024માં જાહેર સ્થળે વાઘ ફેરવવા બદલ તેની સામે કાર્યવાહી થઈ હતી, છતાં તેણે બોધપાઠ ન લેતા એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
આ પણ વાંચોઃ Iran US: મધ્ય પૂર્વમાં ફરી તણાવનો માહોલ, ઇરાને IRGCનો બહેરીન સ્થિત અમેરિકી રડાર સિસ્ટમ પર કર્યો હુમલો