મધ્યસત્ર ચૂંટણીમાં કારમી હાર બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કોઈ નવી લશ્કરી કાર્યવાહી ન કરવાના સંકેત આપ્યા હતા અને બંને દેશો વચ્ચે મધ્યસ્થી માટે બેઠકો પણ ચાલી રહી છે. ટ્રમ્પના આ વલણથી મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાવાની આશા જાગી હતી, પરંતુ ઈરાન આટલી સરળતાથી નમતું જોખવાના મૂડમાં જણાતું નથી. શુક્રવારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ બહેરીન સ્થિત અમેરિકાના અત્યંત મહત્વપૂર્ણ લશ્કરી સર્વેલન્સ અને પ્રારંભિક ચેતવણી રડાર (Early Warning Radar) પર હુમલો કર્યાનો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે.

અમેરિકાના હુમલાનો લેવાયો બદલો

ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, સિરિક વિસ્તારમાં આવેલા ટેલિકોમ્યુનિકેશન ટાવર પર અમેરિકા દ્વારા કરાયેલા હુમલાનો બદલો લેવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, આ હુમલામાં અમેરિકી રડારને ખરેખર કેટલું નુકસાન પહોંચ્યું છે અને તેની કાર્યક્ષમતા પર કોઈ અસર થઈ છે કે કેમ, તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી.

અમેરિકી નૌકાદળનો પાંચમો કાફલો તૈનાત 

વ્યૂહાત્મક દ્રષ્ટિએ બહેરીનમાં અમેરિકાની લશ્કરી હાજરી અત્યંત મહત્વની છે, કારણ કે અહીં અમેરિકી નૌકાદળનો પાંચમો કાફલો તૈનાત છે. પ્રારંભિક ચેતવણી રડાર કોઈપણ દેશની હવાઈ સંરક્ષણ પ્રણાલીની કરોડરજ્જુ સમાન હોય છે. તેનું મુખ્ય કાર્ય દુશ્મન તરફથી આવતી મિસાઇલો, ફાઇટર જેટ્સ અને અન્ય હવાઈ જોખમોને સમયસર પકડી પાડવાનું છે, જેથી લશ્કરી કમાન્ડને વળતો પ્રહાર કરવા અને સંરક્ષણ પ્રણાલી સક્રિય કરવા માટે પૂરતો સમય મળી રહે.

ઇરાને અમેરિકાને આપી આકરી ચેતવણી

આ ઘટના પહેલા બુધવારે જ ઈરાને અમેરિકાને આકરી ચેતવણી આપી હતી. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી જનરલ મોહસેન રેઝાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો અમેરિકા ફરીથી કોઈ હુમલો કરશે, તો તેહરાનનો બદલો માત્ર મધ્ય પૂર્વ પૂરતો મર્યાદિત નહીં રહે. તેમણે ચીમકી આપી હતી કે જો યુરોપ કે અન્ય દૂરના લશ્કરી થાણાઓ પરથી ઉડાન ભરીને યુએસ યુદ્ધ વિમાનો ઈરાન પર હુમલો કરશે, તો તે તમામ વિદેશી થાણાઓને પણ નિશાન બનાવવામાં આવશે. ઈરાનના આ આક્રમક વલણને કારણે હવે યુરોપિયન દેશોમાં આવેલી અમેરિકી લશ્કરી છાવણીઓની સુરક્ષા અંગે પણ ચિંતા વધી ગઈ છે.

આ પણ વાંચોઃ Nvidia: રિઝાઇન આપતા જ જેનસેન હુઆંગને મોટો ઝટકો, ડૂબ્યા 60,000 કરોડ