વિશ્વની અગ્રણી ટેક કંપની Nvidiaના સહ-સ્થાપક જેન્સેન હુઆંગની મુશ્કેલીઓ અટકવાનું નામ લઈ રહી નથી. ગુરુવારે કંપનીના CEO પદેથી રાજીનામું આપ્યા બાદ તેમને વધુ એક મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. યુએસ શેરબજારમાં Nvidiaના શેરમાં આવેલા ભારે કડાકાને કારણે હુઆંગની અંગત સંપત્તિમાં એક જ દિવસમાં $6.4 બિલિયન એટલે કે આશરે ₹60,000 કરોડથી વધુનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે તેઓ હજુ પણ કંપનીના સૌથી મોટા વ્યક્તિગત શેરધારક હોવાથી શેરના ભાવમાં થતી વધઘટની સીધી અસર તેમની નેટવર્થ પર પડે છે.
જેન્સેનની મુશ્કેલીઓ વધી
મીડિયા રિપોર્ટ અનુસાર જેન્સેન હુઆંગની સંપત્તિમાં 4.25 ટકાનો ઘટાડો થયો છે, જેના પગલે તેમની કુલ નેટવર્થ ઘટીને $144.7 બિલિયન પર આવી ગઈ છે. આ નુકસાનને કારણે તેઓ વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર થઈને હવે 13મા ક્રમે સરકી ગયા છે. તાજેતરમાં તેમના અંગત જીવનના વિવાદો અને ચીની જાસૂસ સાથેના કથિત સંબંધોની આશંકાઓ સામે આવ્યા બાદથી જ તેમની મુશ્કેલીઓ અને સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
60,000 કરોડનું નુકસાન
બીજી તરફ, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના આંકડા મુજબ હુઆંગની સંપત્તિમાં $6.07 બિલિયનનો ઘટાડો થયો છે અને તેમની કુલ સંપત્તિ $138 બિલિયન રહી ગઈ છે, જે ફોર્બ્સના અંદાજ કરતા આશરે $6 બિલિયન ઓછી છે. બ્લૂમબર્ગની યાદીમાં પણ તેઓ 13મા સ્થાને છે. ડેટા દર્શાવે છે કે ચાલુ વર્ષ દરમિયાન તેમની કુલ સંપત્તિમાં અત્યાર સુધીમાં $29.8 બિલિયનનું મોટું ધોવાણ થયું છે.
શેરબજારની સ્થિતિ
શેરબજારની સ્થિતિ પર નજર કરીએ તો, ગુરુવારે શરૂઆતના સત્રમાં Nvidiaનો શેર 13 ટકાના ઘટાડા સાથે $151 પર ખુલ્યો હતો અને ટૂંક સમયમાં જ 14.38 ટકા ગગડીને $148.80ની 52 અઠવાડિયાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. જોકે, દિવસના અંતે શેરમાં થોડો સુધારો જોવા મળ્યો હતો અને તે 4.34 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. આમ, વિવાદો અને રાજીનામાના પગલે રોકાણકારોનો વિશ્વાસ ડગમગતા જેન્સેન હુઆંગને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
આ પણ વાંચોઃ UAE માં બેકાબૂ ટ્રકે અનેક ગાડીઓમે મારી ટક્કર, 14ના મોત, મૃતકોમાં ભારતીયો પણ સામેલ