રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM)ની તારીખ જાહેર કરી છે. સાથે જ કંપનીએ ફાઈનલ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ પણ જાહેર કરી છે. કંપની નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર 6 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ આપશે. કંપનીએ શેરબજારોને જાણ કરી છે કે ડિવિડન્ડ માટે 5 જૂન રેકોર્ડ ડેટ રહેશે. આ તારીખ સુધી જેમના નામ કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં લાભાર્થી માલિક તરીકે નોંધાયેલા હશે, તેઓ ડિવિડન્ડ મેળવવા પાત્ર બનશે.

કેટલું છે કંપનીનું માર્કેટ કેપ?

ફાઈનલ ડિવિડન્ડને શેરહોલ્ડર્સની મંજૂરી માટે 19 જૂને યોજાનારી AGMમાં રજૂ કરવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ 7 દિવસની અંદર શેરહોલ્ડર્સને ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવશે. અગાઉ નાણાકીય વર્ષ 2024-25 માટે કંપનીએ પ્રતિ શેર ₹5.50 નો ફાઈનલ ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીના શેરની ફેસ વેલ્યુ ₹10 છે. બુધવાર, 27 મેના રોજ BSE પર શેર ₹1,350 પર બંધ થયો હતો. ગુરુવારે બકરી ઈદને કારણે શેરબજાર બંધ રહ્યું. કંપનીની માર્કેટ કેપ ₹18.26 લાખ કરોડ છે. BSE પર શેરનો 52 અઠવાડિયાનો એડજસ્ટેડ હાઈ ₹1,611.20 અને એડજસ્ટેડ લો ₹1,290 રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં શેરમાં આશરે 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. કંપનીમાં પ્રમોટર્સની હિસ્સેદારી 50 ટકા છે.

માર્ચ 2026 ત્રિમાસિકમાં નફામાં ઘટાડો

જાન્યુઆરી-માર્ચ 2026 ત્રિમાસિક દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નેટ કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 12.5 ટકા ઘટીને ₹16,971 કરોડ રહ્યો હતો. ગયા વર્ષે આ જ સમયગાળામાં નફો ₹19,407 કરોડ હતો. ઓપરેશન્સમાંથી કન્સોલિડેટેડ આવક ₹2,98,621 કરોડ રહી હતી, જ્યારે માર્ચ 2025 ત્રિમાસિકમાં તે ₹2,64,573 કરોડ હતી. સંપૂર્ણ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કંપનીની ઓપરેશન્સમાંથી કુલ આવક ₹10,75,675 કરોડ રહી હતી, જે અગાઉના વર્ષમાં ₹9,80,136 કરોડ હતી. જ્યારે કુલ નેટ કન્સોલિડેટેડ નફો ₹80,775 કરોડ રહ્યો હતો, જે નાણાકીય વર્ષ 2024-25માં ₹69,648 કરોડ હતો.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: વૈશ્વિક તણાવ વચ્ચે પેટ્રોલ પેટ્રોલ ડીઝલનો ભાવ સ્થિર? જાણો આજનો લેટેસ્ટ રેટ...

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.