દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ (AI) ક્ષેત્રના નિષ્ણાતો માટે નોકરીની શાનદાર તક જાહેર કરી છે. બેંકે 'ચીફ AI ઓફિસર'ના વરિષ્ઠ પદ માટે ભરતીની જાહેરાત કરી છે, જેના માટે વાર્ષિક મહત્તમ ₹1.6 કરોડ સુધીનું પેકેજ નક્કી કરવામાં આવ્યું છે. જોકે, આ આકર્ષક પગારની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે.
₹1.6 કરોડનો CTC ઓફર થઈ શકે
SBI ની જાહેરાત મુજબ, ચીફ AI ઓફિસરને મહત્તમ ₹1.6 કરોડનો CTC ઓફર થઈ શકે છે, જેમાં 90% એટલે કે ₹1.44 કરોડ ફિક્સ પગાર અને 10% એટલે કે ₹16 લાખ કામગીરી આધારિત વેરિએબલ પગાર સામેલ છે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ મહત્તમ મર્યાદા છે અને ઉમેદવારના અનુભવ, હાલના પગાર તથા સ્થાનના આધારે અંતિમ પગાર નક્કી થશે. આ પગાર માળખા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝર્સે મિશ્ર પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોનું માનવું છે કે ગૂગલ અને ઉબેર જેવી કંપનીઓના સિનિયર એન્જિનિયરો (SDE-3) કે સ્ટાર્ટઅપ્સના ડેવલપર્સ પણ આટલું કમાય છે, ત્યારે આટલી મોટી બેંકની AI નીતિ સંભાળનાર અધિકારી માટે આ પેકેજ વર્તમાન ટેક માર્કેટ મુજબ ઓછું છે.
