ચોમાસા અને શિયાળાની ઋતુમાં ગરમાગરમ અને ચટપટા સ્ટ્રીટ ફૂડ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. મુંબઈની પ્રખ્યાત ચાટ વાનગીઓમાં 'રગડા પેટીઝ' ખૂબ જ લોકપ્રિય છે. બહારથી ક્રિસ્પી બટાકાની પેટીઝ અને તેની સાથે સફેદ વટાણાનો સ્વાદિષ્ટ રગડો, ખાટી-મીઠી અને લીલી ચટણી, ડુંગળી, ટામેટા તથા સેવનો સ્વાદ જોતાં જ મોંમાં પાણી આવી જાય છે. જો તમે મુંબઈ જઈ શકતા ન હોવ, તો શેફ રણવીર બ્રારની સરળ રેસીપી અપનાવીને ઘરે જ આ સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો, જે ખાસ કરીને બાળકોને ખૂબ પસંદ આવશે.

પેટીઝ બનાવવા માટે લો આટલી સામગ્રી

પેટીઝ બનાવવા માટે 3 મધ્યમ કદના બાફેલા અને છીણેલા બટાકા, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી લસણ-લીલા મરચાની પેસ્ટ, કિનારી કાઢેલા 3 સફેદ બ્રેડના ટુકડા અને તળવા માટે તેલ જરૂરી છે. એક બાઉલમાં છીણેલા બટાકા, મીઠું, લસણ-મરચાની પેસ્ટ અને બ્રેડના ટુકડા બરાબર મિક્સ કરીને 5 થી 10 મિનિટ રહેવા દો. જો બટાકામાં ભેજ વધુ લાગે તો કોર્ન સ્ટાર્ચ અથવા એરોરુટ ઉમેરી શકાય. ત્યારબાદ મિશ્રણમાંથી ગોળ ટિક્કી બનાવીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

આ રીતે રગડો કરો તૈયાર 

રગડા તૈયાર કરવા માટે મીઠું અને હળદર નાખીને બાફેલા 2 કપ સફેદ વટાણામાં જરૂર મુજબ પાણી ઉમેરી પેનમાં ઉકાળો. ધ્યાન રાખવું કે બાફતી વખતે વધુ પાણી ન ઉમેરાય, જેથી રગડો ન તો બહુ જાડો થાય કે ન તો બહુ પાતળો.

આ રીતે કરો સર્વિગ

સર્વિંગ પ્લેટમાં ગરમ રગડો પાથરી તેના પર લીલી ચટણી અને ખાટી-મીઠી ચટણી રેડો. તેની ઉપર તૈયાર બટાકાની પેટીઝ મૂકીને લાલ મરચું પાવડર, સમારેલી ડુંગળી, ટામેટા, લીલા મરચાં અને સૂકા લસણની ચટણી ઉમેરો. અંતે કોથમીર, સેવ, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, દાડમના દાણા અને લીંબુના ટુકડાથી ગાર્નિશ કરીને તરત જ ગરમાગરમ સર્વ કરો.

આ પણ વાંચોઃ Iranian Singer: ઇરાની સિંગરને કેમ 74 કોરડા મારીને અપાઇ સજા? કારણ છે માત્ર આટલું જ....