ઈરાનમાં મહિલાઓના અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના કડક નિયંત્રણો વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈરાની ગાયિકા પરસ્તુ અહમદી અને તેમની પ્રોડક્શન ટીમના ચાર સભ્યોને હિજાબ વગર ઓનલાઈન મ્યુઝિક કોન્સર્ટ કરવા બદલ સોમવારે 74 કોરડા મારવાની સજા ફટકારવામાં આવી છે. કોમ શહેરમાં આપવામાં આવેલી આ સજા ઉપરાંત, અહમદી અને અન્ય ચાર લોકો પર બે વર્ષ સુધી કોઈપણ કલાત્મક કે સંગીતમય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને મુસાફરી કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ સમગ્ર મામાલે છે શું?

આ સમગ્ર મામલો ડિસેમ્બર 2024માં ફિલ્માવવામાં આવેલા અને યુટ્યુબ પર રિલીઝ કરાયેલા એક ઓનલાઈન પ્રદર્શન સાથે જોડાયેલો છે. કોમ નજીકના ઐતિહાસિક સ્થળ 'દેઇર-એ ગાચીન કારવાંસેરાઈ' ખાતે કોઈ પણ લાઈવ પ્રેક્ષકો વગર આ કોન્સર્ટ શૂટ કરવામાં આવ્યો હતો. જેમાં પરસ્તુ અહમદીએ લાંબો કાળો ડ્રેસ પહેરીને, હિજાબ વગર ખુલ્લા વાળ સાથે પુરુષ સંગીતકારોની ટીમ સાથે ગીત ગાયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થયો હતો અને ઈરાનમાં મહિલા કલાકારો પરના પ્રતિબંધો તરફ વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.

કોન્સર્ટને "ગેરકાયદેસર" ગણાવી ધાર્મિક ધોરણોનું ઉલ્લંઘન માન્યુ 

ઈરાની ન્યાયતંત્રે આ કોન્સર્ટને "ગેરકાયદેસર" ગણાવીને દેશના કાયદાકીય અને ધાર્મિક ધોરણોનું ઉલ્લંઘન માન્યું હતું. અહમદી, આયોજક મોહસેન લશ્કરી અને સંગીતકારો સોહેલ ફકીહ નાસીરી, અમીન તાહેરી તથા અમીર અલી પિર્નિયા પર "જાહેર શિષ્ટાચારને ભડકાવવા" અને અશ્લીલ-અનૈતિક સામગ્રી પ્રકાશિત કરવાનો આરોપ મૂકાયો હતો. જૂન મહિનામાં કોર્ટે સંભળાવેલી 74 કોરડાની સજાને સપ્ટેમ્બરમાં અપીલ દરમિયાન પણ યથાવત રાખવામાં આવી હતી.

જાહેરમાં વાળ ઢાંકવા અને એકલા ગાવા પર સખત પ્રતિબંધ 

ઉલ્લેખનીય છે કે ઈરાનમાં મહિલાઓ માટે જાહેરમાં વાળ ઢાંકવા અને એકલા ગાવા પર સખત પ્રતિબંધ છે. 2022માં મહસા અમીનીના મૃત્યુ બાદ હિજાબ વિરોધી આંદોલનો તેજ બન્યા હતા, તેમ છતાં પસંદગીના કેસોમાં કડક કાર્યવાહી ચાલુ છે. ઓક્ટોબરમાં 'એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ' અને પશ્ચિમી દેશોએ આ સજાને ક્રૂર અને અમાનવીય ગણાવી રોકવાની અપીલ કરી હતી, પરંતુ ઈરાને માનવાધિકારના આરોપોને ફગાવી દઈ સજાનો અમલ કર્યો છે.

આ પણ વાંચોઃ Hormuz માં 50 ઓઇલ ટેન્કર પર સાયબર હુમલો, પેટ્રોલ ડીઝલના ભાવ પહોંચશે આસમાને?