મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે હવે દરિયાઈ ક્ષેત્રમાં સાયબર હુમલાઓનો એક નવો અને ગંભીર મોરચો ખુલી રહ્યો હોય તેવું જણાય છે. મીડિયા રિપોર્ટના તાજેતરના અહેવાલ મુજબ, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં આશરે 50 જહાજો પર સાયબર હુમલો થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અમેરિકાને શંકા છે કે ઈરાન જાણીજોઈને ઉર્જા ટેન્કરો અને અન્ય જહાજોને નિશાન બનાવીને આ સાયબર હુમલાઓ કરાવી રહ્યું છે.જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી ઓઇલ ટેન્કરો પર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે એવી પણ આશંકા સેવાઇ રહી છે કે તેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ પર પણ તેની અસર પડી શકે તેમ છે. એટલે કે ભાવ વધી શકે છે.
બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ
સાયબર હુમલાનો ભોગ બનેલા આ જહાજોમાં તેલ ટેન્કર, એલપીજી (LPG) જહાજો, રાસાયણિક ઉત્પાદનો અને અન્ય જોખમી માલસામાનની હેરફેર કરતા જહાજોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલાક જહાજોને ચેતવણીઓ અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ પણ મળી હોવાનું સામે આવ્યું છે. હાલમાં યુએસ અધિકારીઓ આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, આ હુમલાઓમાં ઈરાન મુખ્ય શંકાસ્પદ છે, પરંતુ તેની સાથે જ અમેરિકી અધિકારીઓને આ કાવતરામાં રશિયાની સંડોવણી હોવાની પણ શંકા છે.
ઇરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ યથાવત
હોર્મુઝ સ્ટ્રેટ પહેલેથી જ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. વિશ્વના દરિયાઈ વેપાર અને ખાસ કરીને વૈશ્વિક તેલ પુરવઠા માટે આ જળમાર્ગ અત્યંત મહત્વનો છે. જો આ માર્ગ પર શિપિંગ કામગીરી ખોરવાય, તો તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય તેલ બજાર અને વેપાર પર પડી શકે છે. અમેરિકાને ચિંતા છે કે ઈરાન દરિયાઈ ક્ષેત્રમાં પોતાનું દબાણ વધારવા માટે પરંપરાગત લશ્કરી કાર્યવાહી ઉપરાંત હવે સાયબર ઓપરેશનનો સહારો લઈ રહ્યું છે, જે દર્શાવે છે કે આ સંઘર્ષ હવે મિસાઈલ હુમલાઓથી આગળ વધીને સાયબર યુદ્ધ તરફ ફંટાયો છે.
સાયબર સુરક્ષા નિષ્ણાતો અને અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ દરિયાઈ જહાજોમાં વપરાતા 'ફોર્ટિનેટ રાઉટર્સ'ની ટેકનિકલ નબળાઈનો ફાયદો ઉઠાવીને આ હુમલાઓને અંજામ આપ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા યુએસ કોસ્ટ ગાર્ડે તાત્કાલિક પગલાં લીધા છે અને અમેરિકા તરફ આવી રહેલા કેટલાક અસરગ્રસ્ત જહાજોની સુરક્ષા તથા મદદ માટે ખાસ સાયબર સુરક્ષા ટીમો તૈનાત કરી દીધી છે.
આ પણ વાંચોઃ ડિજિટલ ફ્રોડ રોકવા RBIનું મોટું પગલું! હવે એક ક્લિકમાં બેંક ખાતું કરી શકાશે લોક, જાણો કેવી રીતે..