જો તમારી પાસે ડીમેટ અકાઉન્ટ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે તો 1 સપ્ટેમ્બર 2026 પહેલાં એક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવું જરૂરી છે. ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) દ્વારા નૉમિનેશન સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જે 1 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવશે. આ ફેરફારોનો હેતુ રોકાણકર્તાના મૃત્યુ બાદ સંપત્તિનું ટ્રાન્સફર સરળ બનાવવા અને અનક્લેમ્ડ એસેટ્સની સંખ્યા ઘટાડવાનો છે.

દરેક રોકાણકાર માટે નૉમિની આપવું ફરજિયાત રહેશે

નવા નિયમો મુજબ 1 સપ્ટેમ્બર 2026 પછી નવા સિંગલ-હોલ્ડર ડીમેટ અકાઉન્ટ અથવા મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો ખોલનાર દરેક રોકાણકાર માટે નૉમિની આપવું ફરજિયાત રહેશે. જો કોઈ રોકાણકાર નૉમિનેશન આપવા ઈચ્છતા ન હોય તો તેમને તેનું કારણ દર્શાવતું ઓપ્ટ-આઉટ ડિકલેરેશન ફોર્મ ભરવું પડશે. જો કે, જોઈન્ટ એકાઉન્ટ અને ફોલિયોમાં નૉમિનેશન વૈકલ્પિક રહેશે.

ત્રણ નૉમિની ઉમેરી શકાશે

SEBIએ વધુમાં જણાવ્યું છે કે હવે એક અકાઉન્ટ અથવા ફોલિયોમાં વધુમાં વધુ ત્રણ નૉમિની ઉમેરાઈ શકશે. રોકાણકારના મૃત્યુ બાદ નૉમિનીઓ સંયુક્ત રીતે રોકાણ સંભાળી શકે છે અથવા પોતપોતાનો હિસ્સો અલગ કરી શકે છે. નૉમિનેશન પ્રક્રિયા સરળ બનાવવા માટે ઑનલાઈન અને ઑફલાઈન બંને વિકલ્પો ઉપલબ્ધ રહેશે. ઑનલાઈન નૉમિનેશન માટે આધાર આધારિત ઈ-સાઈન, ડિજિટલ સહી (DSC) અને OTP આધારિત 2FAનો ઉપયોગ કરી શકાય છે, જ્યારે ઑફલાઈન માટે માત્ર સહી પૂરતી રહેશે. અંગૂઠાનો નિશાન હોય તો બે સાક્ષીઓ જરૂરી રહેશે. નવા નિયમોમાં નૉમિની અંગેની માહિતી પણ સરળ બનાવવામાં આવી છે. હવે માત્ર નામ, રોકાણકાર સાથેનો સંબંધ અને સગીર નૉમિનીની જન્મ તારીખ જ ફરજિયાત રહેશે. અન્ય વિગતો વૈકલ્પિક રહેશે.

શું છે તેનું કારણ?

SEBIએ સ્પષ્ટ કર્યું છે કે રોકાણકાર કોઈપણ સમયે નૉમિની ઉમેરવા, બદલવા અથવા દૂર કરવા માટે સ્વતંત્ર રહેશે. નૉમિનેશનમાં ફેરફાર થાય ત્યારે તેની રસીદ આપવી ફરજિયાત રહેશે. નૉમિનેશન ન કરનાર રોકાણકારોને સમયાંતરે SMS અને ઈમેઈલ દ્વારા તેની જાણકારી આપવામાં આવશે. નૉમિનેશન રોકાણકારના અવસાન બાદ સંપત્તિ પરિવાર સુધી સરળતાથી પહોંચે તે માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ નિયમો દ્વારા ભવિષ્યમાં કાનૂની જટીલતાઓ ઘટાડવાનો SEBIનો ઉદ્દેશ છે.

આ પણ વાંચો : 8th Pay Commission: કર્મચારીઓ માટે મોટી રાહત! મેમોરેન્ડમ સબમિટ કરવાની મુદતમાં વધારો