કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં પોતાનો શેરહિસ્સો ઘટાડીને 75% કરવાની યોજના બનાવી રહી છે. બજાર નિયમનકાર SEBI (સેબી) ના નિયમ મુજબ, તમામ લિસ્ટેડ કંપનીઓમાં ઓછામાં ઓછું 25% પબ્લિક શેરહોલ્ડિંગ (જાહેર હિસ્સેદારી) હોવું ફરજિયાત છે.
4 બેંકોમાં વધારાનો હિસ્સો ઘટાડશે સરકાર
વર્તમાન સમયમાં આ ચારેય બેંકોમાં સરકારનો હિસ્સો ઘણો વધારે હોવાથી, લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગની શરત પૂરી કરવા સરકાર OFS (ઓફર ફોર સેલ) દ્વારા પોતાના શેર વેચશે. આ ઉપરાંત, બેંકો પોતે પણ બજારમાંથી ભંડોળ એકત્ર (QIP દ્વારા) કરી શકશે. કેન્દ્ર સરકાર આ 4 બેંકોમાંથી પોતાનો હિસ્સો ઘટાડી સેબીના નિયમનું પાલન કરશે. જાણો સરકાર કઈ બેન્કમાં કેટલો હિસ્સો ધરાવે છે અને આ બેન્કોમાંથી કેટલો સરકારી હિસ્સો ઘટાડશે.
કેન્દ્ર સરકાર આ 4 બેંકોમાં ઘટાડશે હિસ્સો
૧. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (Central Bank of India)
સેન્ટ્રલ બેન્કમાં વર્તમાન સરકારી હિસ્સો: ૮૧.૧૯% છે. જેમાંથી સેબીના ૭૫% ના નિયમનું પાલન કરવા સરકારે આશરે ૬.૨% હિસ્સો વેચવો પડશે. OFS માં સંસ્થાકીય અને છૂટક (રિટેલ) બંને રોકાણકારો ભાગ લઈ શકશે, જ્યારે બેંકનું QIP (ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ) માત્ર સંસ્થાકીય ખરીદદારો માટે જ ખુલ્લું રહેશે.
2. યુકો બેંક (UCO Bank)
કેન્દ્ર સરકાર યુકો બેંકમાં વર્તમાન સરકારી હિસ્સો ૯૦.૯૫% ધરાવે છે. અને સરકાર આ બેંકમાંથી પોતાનો આશરે ૧૬% હિસ્સો ઘટાડશે. આ હિસ્સો OFS અને QIP બંને માર્ગો દ્વારા વેચાય તેવી પૂરી શક્યતા છે.
3. પંજાબ એન્ડ સિંધ બેંક (Punjab & Sind Bank)
આ બેન્કમાં વર્તમાન સરકારી હિસ્સો ૯૩.૮૫% છે. સેબીના નિયમ અનુસાર સરકારે આશરે ૧૯% હિસ્સો વેચવાની જરૂરિયાત છે. શુક્રવારે બેંકનો શેર રૂ. ૨૦.૩૫ ના બંધ સામે ૧૦.૫૨% ના ઘટાડા સાથે રૂ. ૧૮.૨૧ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન શેરે રૂ. ૨૦.૩૯ ની ઊંચી સપાટી બનાવીને રૂ. ૧૯.૬૧ પર બંધ આપ્યો હતો. હાલમાં આ બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન (M-Cap) રૂ. ૧૨,૯૪૯ કરોડ છે.
4. ઇન્ડિયન ઓવરસીઝ બેંક (Indian Overseas Bank)
કેન્દ્ર સરકાર ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં વર્તમાન સરકારી હિસ્સો ૯૨.૪૪% ધરાવે છે. સેબીના પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણો પૂરા કરવા માટે સરકારે આ બેંકમાં પોતાનો હિસ્સો આશરે ૧૭.૪૪% જેટલો ઘટાડવો પડશે.
આ પણ વાંચો : Income Tax Return: ITR ભરવાની તારીખ લંબાઈ! 21 નવેમ્બર સુધીનો સમય, પણ કોને મળશે આ રાહત?