સપ્તાહના પ્રથમ દિવસે બજારની સકારાત્મક શરૂઆત થઈ હતી. પરંતુ બપોરના 12 વાગ્યા બાદ બજારને મોટો આંચકો મળ્યો સેન્સેક્સ અને નિફ્ટી ઘટવા લાગ્યા. આજે  સ્થાનિક શેરબજારોમાં હાલમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી તીવ્ર ઝડપે તૂટી પડ્યા છે. દિવસના ઉચ્ચતમ સ્તરની તુલનામાં, સેન્સેક્સમાં 1200પોઈન્ટથી વધુનો મોટો કડાકો નોંધાયો છે. બપોરે 3 વાગ્યાની આસપાસ, સેન્સેક્સ 729.14 પોઈન્ટ અથવા 1.01 ટકાના ઘટાડા સાથે 71,743.19 ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 0.82 ટકા અથવા 186 પોઈન્ટ ઘટીને 22,333 ના સ્તરે પહોંચ્યો હતો.

સેન્સેક્સના શેરોની સ્થિતિ અને મુખ્ય ગબડતા શેર

સેન્સેક્સના 30 માંથી 25 મુખ્ય શેરો હાલમાં લાલ નિશાનમાં એટલે કે નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ નુકસાન 'ટેક મહિન્દ્રા'ને થયું છે, જેના શેર 4.14 ટકા તૂટ્યા છે. આ ઉપરાંત, ITC માં 3.25 ટકા અને ભારતી એરટેલમાં 1.95 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, આવા મંદીના માહોલમાં પણ BEL, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, HCL ટેક, કોટક બેંક, બજાજ ફિનસર્વ અને સન ફાર્મા જેવા શેરોમાં સુધારો જોવા મળ્યો છે અને તેઓ ટોચના લાભાર્થી રહ્યા છે.

બજારની શરૂઆતી ઝડપ બાદ મોટો ઘટાડો

શેરબજારની શરૂઆત આજે મજબૂત રહી હતી, પરંતુ ટૂંક સમયમાં જ માર્કેટનો મૂડ બદલાઈ ગયો હતો. સેન્સેક્સ દિવસ દરમિયાન 72,884 ના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા બાદ તીવ્ર કડાકા સાથે 71,845ના નીચલા સ્તરે ગબડી ગયો હતો. આમ, બેન્ચમાર્ક ઈન્ડેક્સ તેની ઊંચાઈથી 1039 પોઈન્ટ ઘટીને તળિયે પહોંચ્યો હતો અને હાલમાં તે 602 પોઈન્ટના ઘટાડા સાથે 71,869 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

વિદેશી રોકાણકારો બહાર નીકળતા બજાર પર દબાણ

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા ભારતીય શેરનું વેચાણ બજાર માટે એક મોટો પડકાર છે. આ મહિના (ઓક્ટોબર)માં વિદેશી સંસ્થાકીય રોકાણકારો મોટા પાયે વેચાણ થયું. વિદેશી રોકાણકારોએ ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં માત્ર છ સત્રોમાં રૂ. 45,125 કરોડના ભારતીય શેર વેચ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં રૂ. 45,536 કરોડના કુલ વેચાણની લગભગ બરાબર છે.  બજાર નિષ્ણાતના જણાવ્યા મુજબ ઓક્ટોબરમાં FII વેચાણમાં વધારાને કારણે, 2026માં કુલ FPI ઇક્વિટી વેચાણ રૂ. 3,60,952 કરોડ પર પહોંચી ગયું છે. વિદેશી રોકાણકારો બહાર નીકળતા બજાર પર દબાણ વધ્યું છે.


આ પણ વાંચો : Petrol Diesel Price Today:પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું! શું તમારાં શહેરનો રેટ પણ વધ્યો?