મુહર્રમના તહેવારને કારણે દેશના શેરબજારમાં આ સપ્તાહે ટ્રેડિંગનો એક દિવસ ઓછો રહ્યો છે. સામાન્ય રીતે પાંચ દિવસ ખુલ્લા રહેતા બજારોમાં આ વખતે માત્ર ચાર દિવસ જ વેપાર થયો. હવે 26 જૂનના રોજ દેશના મુખ્ય શેરબજાર BSE અને NSE સંપૂર્ણ રીતે બંધ રહેશે.
રોકાણકારોને શેરની ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે
મુહર્રમની રજાને કારણે રોકાણકારોને સતત ત્રણ દિવસ સુધી બજારમાં ટ્રેડિંગનો અવકાશ નહીં મળે. આ દરમિયાન શુક્રવારથી લઈને રવિવાર સુધી બજાર બંધ રહેશે અને ફરી 29 જૂન, સોમવારથી નિયમિત કામગીરી શરૂ થશે. આથી રોકાણકારો માટે ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે. આ સાથે કમોડિટી માર્કેટ MCX ઈન્ડિયામાં પણ 26 જૂને ખાસ ફેરફાર રહેશે. અહીં સવારે સત્રનું ટ્રેડિંગ બંધ રહેશે, જ્યારે સાંજનું સત્ર યથાવત ચાલુ રહેશે.
શેરબજારના હોલિડે કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ તહેવારો પર રજાઓ રહે છે. આગામી સમયમાં 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ), 14 સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થી), 2 ઓક્ટોબર (મહાત્મા ગાંધી જયંતિ) અને 20 ઓક્ટોબર (દશેરા) પર પણ બજાર બંધ રહેશે. જોકે આ વર્ષે 15 ઓગસ્ટ શનિવાર હોવાથી તે સ્વાભાવિક રજામાં આવી જાય છે.
બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે
બીજી તરફ, દેશના મોટા ભાગના વિસ્તારોમાં બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે. જોકે અમદાવાદ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, ઇટાનગર, જયપુર, કોહિમા, શિમલા, શિલોંગ અને તિરુવનંતપુરમ જેવા શહેરોમાં બેન્કો કાર્યરત રહેશે. વધુમાં, 27 જૂને મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેન્કો બંધ રહેશે. સામાન્ય રીતે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્કોમાં રજા હોય છે. આ તમામ રજાઓને કારણે રોકાણકારો અને સામાન્ય નાગરિકોએ આગામી દિવસોમાં પોતાના નાણાકીય વ્યવહારોનું આયોજન કરી લેવું જરૂરી બન્યું છે.
આ પણ વાંચો : PSUs Share Sale : 11 વર્ષમાં સરકારે સૌથી વધુ શેર વેચ્યા, OFS દ્વારા 25,491 કરોડ એકત્ર કરાયા
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.