ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા સતત વેચવાલીનો દબાણ યથાવત્ રહ્યો છે. વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં FIIsએ કુલ અંદાજે 2.06 લાખ કરોડ રૂપિયાનાં ભારતીય શેર વેચી નાખ્યા છે અને સતત ત્રીજા મહિને તેઓ નેટ સેલર રહ્યા છે.

મે મહિનામાં જ 14,231 કરોડની વેચવાલી

માત્ર મે મહિનામાં જ અત્યાર સુધીમાં 14,231 કરોડ રૂપિયાની વેચવાલી નોંધાઈ છે. શુક્રવારે FIIsએ 4,110.60 કરોડ રૂપિયાનાં શેર વેચ્યા, જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DII)એ 6,748.13 કરોડ રૂપિયાનાં શેરોની ખરીદી કરી હતી. તેમ છતાં, સ્થાનિક રોકાણકારોની ખરીદી બજારને ટેકો આપી શકી નહીં અને મુખ્ય ઈન્ડેક્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી 150.50 પોઈન્ટ એટલે કે 0.62 ટકા ઘટીને 24,176.15 પર બંધ થયો, જ્યારે BSE સેન્સેક્સ 516.33 પોઈન્ટ અથવા 0.66 ટકાના ઘટાડા સાથે 77,328.19 પર બંધ થયો. ખાસ કરીને ફાઇનાન્શિયલ શેરોમાં ભારે વેચવાલીના કારણે સતત બીજા દિવસે બજારમાં નબળાઈ જોવા મળી.

તાઈવાનને 5.5 અબજ ડોલર જેટલું રોકાણ મળ્યું

મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર 2024થી અત્યાર સુધીમાં લગભગ 50 અબજ ડોલરની વેચવાલી છતાં FIIs ભારતીય બજારમાંથી નાણાં બહાર ખેંચી રહ્યા છે. બીજી તરફ દક્ષિણ કોરિયાને લગભગ 4 અબજ ડોલર અને તાઈવાનને 5.5 અબજ ડોલર જેટલું રોકાણ મળ્યું છે. તેમના મુજબ ભારતને હજુ પણ ઉભરતા બજારોમાં યોગ્ય ફાળવણી મળી રહી નથી, જે દર્શાવે છે કે FIIs માટે હાલ ભારત એટલું આકર્ષક બજાર નથી.

આ પરિસ્થિતિના કારણે લાર્જ-કૅપ શેરોનું પ્રદર્શન અપેક્ષા કરતાં નબળું રહ્યું છે, જ્યારે સ્થાનિક રોકાણકારોની મજબૂત ખરીદીના કારણે સ્મોલ અને મિડ-કૅપ (SMID) શેરોને ટેકો મળતો રહ્યો છે. નિષ્ણાતોના મતે જ્યાં સુધી FIIs ફરીથી ભારતમાં મોટાપાયે રોકાણ શરૂ નહીં કરે, ત્યાં સુધી બજારનો વધારો કંપનીઓના વ્યક્તિગત પ્રદર્શન અને કમાણીની સ્પષ્ટતા પર આધારિત રહેશે.

વૈશ્વિક પરિબળો કરશે અસર

આગામી સમયમાં વૈશ્વિક પરિબળો પણ બજારની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ પર બજારની નજર રહેશે. જો આ વાતચીતમાં પ્રગતિ કે વિક્ષેપ આવે તો તેનો સીધો પ્રભાવ ભૂરાજકીય સ્થિરતા અને કાચા તેલની કિંમતો પર પડી શકે છે. હાલમાં ખાડી દેશોમાં કાચા તેલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર છે અને આવનારા દિવસોમાં તેમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

આ પણ વાંચો : Gold Price Today : એક અઠવાડિયામાં સોનું થયું મોંઘું, ચાંદીમાં 10000નો વધારો! જાણો લેટેસ્ટ ભાવ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.