મંગળવારે શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યુ પરંતુ ફ્લેટ ઓપનિંગ રહી. સેન્સેક્સ સવારે 9.32 કલાકે +95.40 પોઇન્ટના વધારા સાથે 74,954.39 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી +34.95પોઇન્ટના વધારા સાથે 23,449.25અંકે ખૂલ્યો.
સેન્સેક્સ અને નિફ્ટીની આશ્ચર્યજનક શરૂઆત
અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસ એટલે કે મંગળવારે જ્યારે કામકાજ શરૂ થયું, ત્યારે BSE સેન્સેક્સ 74,858.99 ના અગાઉના બંધ ભાવથી વધીને 74,901 પર ખુલ્યો હતો. શરૂઆત બાદ તરત જ બજારમાં તેજીનો વેગ જોવા મળ્યો અને 180 પોઈન્ટના અચાનક ઉછાળા સાથે BSE સેન્સેક્સ 75,000 ની સપાટીને પાર કરી ગયો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 'ગ્રીન ઝોન'માં (વધારા સાથે) ખુલ્યો હતો.
જોકે, આ મજબૂત શરૂઆત બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંનેની ચાલમાં અચાનક બદલાવ આવ્યો અને શરૂઆતની તેજીનો વેગ ધીમો પડી ગયો. તેમ છતાં, આ અહેવાલ લખાય છે ત્યાં સુધી બંને સૂચકાંકો 'ગ્રીન ઝોન'માં જ રહ્યા હતા.
આ શેરોમાં વધારો જોવા મળ્યો
જોકે શેરબજાર તેની શરૂઆતની તેજી બાદ થોડું નરમ પડતું જણાતું હતું, તેમ છતાં કેટલીક કંપનીઓના શેરોએ ગતિ પકડી હતી. BSE લાર્જ-કેપ શ્રેણીમાં, HDFC બેંક અને અદાણી પોર્ટ્સ 1%થી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, મિડ-કેપ શ્રેણીમાં સુંદરમ ફાઇનાન્સ (3.50%), સુઝલોન (1.80%) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના શેરો લગભગ 1%ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ચોથા સત્રમાં તેજી
બજારમાં સતત ચોથા સત્રમાં તેજી જોવા મળી હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, વિદેશી રોકાણ અને વૈશ્વિક શેરબજારોની મજબૂતીને કારણે સ્થાનિક બજારને ટેકો મળ્યો હતો. જોકે, બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $100થી ઉપર જળવાઈ રહેવાને કારણે સાવચેતીનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. એક એકસપર્ટના જણાવ્યા અનુસાર, 74,000–74,450ની રેન્જ સેન્સેક્સ માટે મુખ્ય સપોર્ટ ઝોન તરીકે કામ કરે છે, જ્યારે 75,000 અને 75,500ની વચ્ચે નોંધપાત્ર રેઝિસ્ટન્સ (અવરોધ) જોવા મળે છે.
સોમવારે સેન્સેક્સમાં 564 પોઈન્ટનો ઉછાળો
સોમવારના ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ 564 પોઈન્ટ અથવા 0.76%ના વધારા સાથે 74,858 પર બંધ થયો હતો. સત્ર દરમિયાન તેણે 74,987ની ઊંચી સપાટી સ્પર્શી હતી. બીજી તરફ, નિફ્ટી 82 પોઈન્ટ અથવા લગભગ 0.35%ના વધારા સાથે 23,429 પર બંધ થયો હતો.