બુધવારે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. બજાર ખુલ્યાની ગણતરીની મિનિટોમાં જ ચોમેરથી વેચવાલીનું દબાણ આવતા સેન્સેક્સ 625 પોઈન્ટથી વધુ ગગડ્યો હતો જેના કારણે રોકાણકારોને આશરે ₹2.79 લાખ કરોડનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
ભારતીય શેરબજારમાં આજે કડાકો કેમ?
- આ કડાકા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર વકરેલો ભૌગોલિક-રાજકીય તણાવ છે. આ વૈશ્વિક અસ્થિરતાને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ઉછળીને $76 પ્રતિ બેરલને પાર કરી ગઈ છે, જેની સીધી નકારાત્મક અસર ભારતીય રૂપિયા પર પણ પડી છે.
- હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ જહાજો પર હુમલાના વિરોધમાં અમેરિકી દળોએ વહેલી સવારે ઈરાન પર જવાબી સૈન્ય કાર્યવાહી કરી હતી. અહેવાલો અનુસાર, ઈરાને પણ બહેરીન અને કુવૈતને નિશાન બનાવી પલટવાર કરતા પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
- મધ્ય-પૂર્વમાં તણાવ વધતાં જ વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 2.6 ટકાની તેજી સાથે $76.1 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. અગાઉના સત્રમાં પણ તેમાં 3 ટકાનો ઉછાળો આવ્યો હતો.
- માર્કેટનો ફિયર ઇન્ડેક્સ (Fear Index) વધુ 7 ટકા વધીને 12.47 ના સ્તરે પહોંચી ગયો છે, જે રોકાણકારોમાં વધતી અસુરક્ષા અને અનિશ્ચિતતા દર્શાવે છે.
- ક્રૂડના વધતા ભાવ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વૃદ્ધિને કારણે ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે 20 પૈસા નબળો પડીને 95.17 ના સ્તરે ખુલ્યો હતો, જેણે બજારના સેન્ટિમેન્ટને વધુ ખરાબ કર્યું છે.
શેરબજારમાં મોટો કડાકો
8જુલાઇના રોજ શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જ ટ્રેડ કરી રહ્યુ છે. સેન્સેક્સ 559 પોઈન્ટના ઘટાડા સાથે 77,621.92 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ તૂટીને 77,555.52 ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે અગાઉના સત્રમાં તે 78,180.72 ના સ્તરે બંધ રહ્યો હતો.
બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 159 પોઈન્ટ ધોવાઈને 24,238.25 પર આવી ગયો હતો. બજારમાં ઘટાડા દરમિયાન નિફ્ટીએ 24,207.20 ની લોઅર સર્કિટ નોંધાવી હતી.
શેરોની સ્થિતિ શું છે ?
- અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ અને ઇન્ડિગોના શેરમાં 2 થી 3 ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
- આ સિવાય મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ, આઈટીસી (ITC), કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ (SBI), બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) જેવા હેવીવેઇટ શેરો પણ લગભગ 1 ટકા જેટલા તૂટ્યા હતા.
- આ વ્યાપક વેચવાલી વચ્ચે માત્ર ઇન્ફોસિસ, ટીસીએસ (TCS) અને સન ફાર્મા જેવા જૂજ શેરો જ લીલા નિશાન સાથે મામૂલી સુધારા પર ટ્રેડ થઈ રહ્યા હતા.
- બજારની અસ્થિરતા દર્શાવતો સૂચકાંક 'ઇન્ડિયા VIX' (India VIX) 5 ટકાથી વધુ ઉછળીને 12.25 પર પહોંચી ગયો હતો, જે બજારમાં ફેલાયેલી ગભરાટ સૂચવે છે.
- સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ, ઓટો, મેટલ, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને પીએસયુ બેંક જેવા મોટાભાગના સેક્ટર્સ 1 ટકા સુધી ઘટ્યા હતા.
- જ્યારે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં 0.7 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. બજારનું એકંદર સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું હતું.
- જેમાં NSE પર 1,574 શેર રેડ ઝોનમાં અને 749 શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા, જ્યારે 123 શેરમાં કોઈ ફેરફાર નોંધાયો નહોતો.
આ પણ વાંચો: Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ
