શેરબજારમાં આજે ભારે હડકંપ મચ્યો છે. યુએસ શેરબજારમાં એક કંપનીએ રોકાણકારોને એક જ દિવસમાં 600% સુધીનું વળતર આપ્યું. આ સાથે જ શેરબજારમાં ભારે તોફાન મચ્યું. આશ્ચર્યની વાત એ છે કે ફૂટવેર બ્રાન્ડની આ કંપની જૂતા વેચવાનું છોડી હવે AI ક્ષેત્રમાં એન્ટ્રી કરશે. આ કંપની છે Allbirds જે ફૂટવેરમાં મોટું નામ ધરાવે છે. નાસ્ડેક પર આ કંપનીએ ધૂમ મચાવતા Allbirds હવે બનશે 'NewBird AI. બિઝનેસ મોડલમાં મોટા ફેરફાર બાદ કંપનીના મૂલ્યાંકનમાં કરોડોનો વધારો થયો.
નાસ્ડેક પર કંપનીના આ શેરમાં મોટો ઉછાળો
આધુનિક કોર્પોરેટ જગતમાં પરિવર્તન કેટલું મોટું પરિણામ લાવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ જૂતા બનાવતી જાણીતી કંપની ઓલબર્ડ્સ (Allbirds) એ પૂરું પાડ્યું છે. બુધવારે કંપનીએ જાહેરાત કરી કે તે પોતાનો જૂનો વ્યવસાય છોડીને હવે AI કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે. આ જાહેરાત બાદ નાસ્ડેક (Nasdaq) પર કંપનીના શેરમાં અકલ્પનીય 600% નો ઉછાળો જોવા મળ્યો હતો.
શેરબજારમાં ઐતિહાસિક તેજી
મંગળવારે જે શેર માત્ર $2.49 પર બંધ થયો હતો, તે બુધવારે સીધો $6.82 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન રોકાણકારોમાં એટલો ઉત્સાહ જોવા મળ્યો કે શેર 876% ના વધારા સાથે $24.31 ની સપાટીએ પહોંચી ગયો હતો, જે તેના 52 સપ્તાહનો નવો રેકોર્ડ છે. દિવસના અંતે શેર $16.99 પર બંધ રહ્યો હતો. આ ઉછાળાને કારણે કંપનીનું માર્કેટ કેપિટલ પણ $22 મિલિયનથી વધીને $147.95 મિલિયન પર પહોંચી ગયું છે.
ઓલબર્ડ્સ હવે બનશે 'ન્યૂબર્ડ AI'
કંપનીએ તેના બિઝનેસ મોડલમાં આમૂલ પરિવર્તન લાવવા માટે નીચે મુજબના મહત્વના નિર્ણયો લીધા છે. કંપનીનું નવું નામ હવે 'ન્યૂબર્ડ AI' તરીકે ઓળખાશે. હવે કંપની જૂતા વેચવાને બદલે ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AI સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપનીએ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે એક સંસ્થાકીય રોકાણકાર સાથે $50 મિલિયન ના ફંડિંગ માટે કરાર કર્યા છે. આ રકમનો ઉપયોગ ખાસ કરીને GPU (Graphics Processing Units) ખરીદવા માટે કરવામાં આવશે.
કંપનીએ કેમ લીધો આ મોટો નિર્ણય?
ઓલબર્ડ્સ છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીમાં હતી. 2021માં જ્યારે તે લિસ્ટ થઈ ત્યારે તેનું મૂલ્ય $3 બિલિયન હતું, જે સમય જતાં 99% જેટલું ઘટી ગયું હતું. ઓનલાઈન કોમ્પિટિશન અને ઘટતી માંગને કારણે કંપનીએ તેના અનેક સ્ટોર્સ બંધ કરવા પડ્યા હતા. સંપત્તિનું વેચાણ: ગયા મહિને જ કંપનીએ તેની બ્રાન્ડ અને ફૂટવેર સંપત્તિ અમેરિકન એક્સચેન્જ ગ્રુપને $39 મિલિયનમાં વેચી દીધી હતી. આધુનિક સમયમાં અત્યારે AI તકનીકની માગ વધી છે. હાલમાં બજારમાં હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગની ભારે માંગ છે, પરંતુ સપ્લાય ઓછો છે. આ તકનો લાભ લેવા કંપનીએ આ નવો માર્ગ પસંદ કર્યો છે.
આ પણ વાંચો : TCS Nashik: સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને ધાર્મિક દબાણના ગંભીર આરોપો બાદ હડકંપ, કર્મચારીઓને 'વર્ક ફ્રોમ હોમ'નો આદેશ