Sugar Price: ખાંડના વધતા ભાવ અને સંગ્રહખોરીને રોકવા માટે કેન્દ્ર સરકારે વેપારીઓ પાસે રાખી શકાય તેવા ખાંડના જથ્થાની મર્યાદા ઘટાડવાનો નિર્ણય લીધો છે. હવે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખાંડના ડીલરો એક સમયે વધુમાં વધુ 2,000 ક્વિન્ટલ ખાંડનો જથ્થો રાખી શકશે. અગાઉ આ મર્યાદા 4,000 ક્વિન્ટલ હતી. આ નવો નિયમ 15 સપ્ટેમ્બર 2026થી 30 નવેમ્બર 2026 સુધી લાગુ રહેશે. ઉપભોકતા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, નિર્ણયનો મુખ્ય હેતુ ખાંડની જમાખોરી અને સટ્ટાબાજી પર નિયંત્રણ લાવવાનો છે. સરકાર ઈચ્છે છે કે બજારમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને ગ્રાહકોને યોગ્ય ભાવે ખાંડ મળી શકે.
30 દિવસથી વધુ ખાંડ રાખી શકાશે નહીં
નવા નિયમ મુજબ વેપારીઓએ ખાંડનો જથ્થો લાંબા સમય સુધી સંગ્રહ કરી રાખી શકાશે નહીં. જે દિવસે ખાંડની ડિલિવરી મળે, તે દિવસથી 30 દિવસથી વધુ સમય સુધી તેનો સ્ટોક રાખવાની મંજૂરી નહીં હોય. ઉપરાંત, દેશમાં કોઈપણ સ્થળે એક વેપારી પાસે એક સમયે 2,000 ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો નહીં હોવો જોઈએ. જોકે કોલકાતા અને તેની આસપાસના મહાનગર વિસ્તારમાં જૂની 4,000 ક્વિન્ટલની મર્યાદા યથાવત રાખવામાં આવી છે. તેનું કારણ એ છે કે કોલકાતા મારફતે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવતી ખાંડ પૂર્વ ભારત તેમજ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે. તેથી અહીં મર્યાદા ઘટાડવાથી સપ્લાય ચેઇન પર અસર પડી શકે છે.
