ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો વ્યાપ વધી રહ્યો છે. ChatGPT જેવા AI ટૂલ્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડેટા સેન્ટર્સના વધતા ઉપયોગને કારણે ઇન્ટરનેટ પર ડેટાની અવરજવર પણ ઝડપથી વધી રહી છે. આ બદલાવથી માત્ર AI કંપનીઓને જ નહીં, પરંતુ ડેટા પહોંચાડવા માટે જરૂરી નેટવર્ક અને ફાઇબર ટેક્નોલોજી બનાવતી કંપનીઓને પણ મોટો ફાયદો થવાની શક્યતા છે. આ તકને ધ્યાનમાં રાખીને અમેરિકાની નેટવર્કિંગ ટેક્નોલોજી કંપની સીએના (Ciena) ભારતમાં પોતાની હાજરી વધુ મજબૂત કરવા માગે છે. કંપની ભારતીય ટેલિકોમ ઓપરેટરો અને ડેટા સેન્ટર કંપનીઓ સાથેની ભાગીદારી વધારવાની તૈયારીમાં છે.
ભારતમાં ₹70થી 100 અબજ ડોલરના રોકાણની તૈયારી
કંપનીની ભારતમાં ડેટા સેન્ટર ક્ષેત્રમાં 70થી 100 અબજ ડોલરના રોકાણની યોજના પહેલેથી જ ચાલી રહી છે. આ ઉપરાંત લગભગ એટલી જ રકમના વધારાના રોકાણનાં વચનો પણ મળ્યાં છે. આ રોકાણથી ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા આગામી વર્ષોમાં પાંચથી દસ ગણી વધી શકે છે અને તે આશરે 10 ગીગાવોટ સુધી પહોંચી શકે છે. આટલા મોટા વિસ્તરણ માટે માત્ર સર્વર અને ઇમારતો પૂરતાં નથી. એક ડેટા સેન્ટરમાંથી બીજા ડેટા સેન્ટર સુધી ઝડપથી અને સુરક્ષિત રીતે ડેટા પહોંચાડવા માટે નવા નેટવર્કની જરૂર પડશે. આ જ ક્ષેત્રમાં સીએના માટે મોટી તક ઊભી થઈ રહી છે.
જૂના નેટવર્કથી નહીં ચાલે AIનો વધતો ટ્રાફિક
સીએનાના મતે, AI માટે ઊભાં થઈ રહેલાં નવા કમ્પ્યુટિંગ સેન્ટર્સને જોડવા માટે ટેલિકોમ કંપનીઓએ માત્ર જૂના નેટવર્કમાં થોડો વધારો કરીને કામ નહીં ચલાવી શકાય. તેના બદલે સંપૂર્ણ નવાં નેટવર્ક ઊભાં કરવાની જરૂર પડશે. અત્યાર સુધી ડેટાનો વપરાશ દર વર્ષે આશરે 15થી 20 ટકા વધતો હોવાનો અંદાજ હતો. પરંતુ જનરેટિવ AI અને ઓટોનોમસ AI એજન્ટ્સના વધતા ઉપયોગથી આ વૃદ્ધિનો અંદાજ લગાવવો મુશ્કેલ બની શકે છે. સામાન્ય એપ્લિકેશનની સરખામણીમાં AI એજન્ટ્સ સતત કામ કરી શકે છે અને મોટી માત્રામાં માહિતીનું વિશ્લેષણ કરી શકે છે. ભવિષ્યમાં રોબોટિક્સ અને ફિઝિકલ AIનો ઉપયોગ વધશે તો ડેટાનો ટ્રાફિક વધુ વધી શકે છે.
1.6 ટેરાબિટ પ્રતિ સેકન્ડની ટેક્નોલોજી
સીએનાએ દાવો કર્યો છે કે તે વૈશ્વિક સ્તરે 1.6 ટેરાબિટ પ્રતિ સેકન્ડની ઝડપ આપતી ઓપ્ટિકલ નેટવર્કિંગ ટેક્નોલોજી લોન્ચ કરનારી પ્રથમ કંપની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ટેક્નોલોજી અગાઉની પેઢીની સરખામણીમાં બમણી ઝડપ આપે છે, જ્યારે જગ્યા અને વીજળીનો વપરાશ અડધો કરે છે. AIના વધતા ઉપયોગને કારણે નેટવર્કમાં વધુ ઝડપ, ઓછી વિલંબતા અને મજબૂત કામગીરીની જરૂર પડશે. આ માટે ફાઇબર નેટવર્કનું વિસ્તરણ પણ અત્યંત જરૂરી બનશે. કંપનીએ ફાઇબરને નવા યુગની સૌથી મહત્ત્વની જરૂરિયાત ગણાવ્યું છે.
ભારત સોવરીન AI તરફ પણ આગળ વધી રહ્યું છે
સીએનાના મતે, આગામી સમયમાં સોવરીન AIનું મહત્ત્વ પણ વધશે. તેનો અર્થ એ છે કે સરકારો અને નાણાકીય સંસ્થાઓ પોતાના સંવેદનશીલ ડેટા પર વધુ નિયંત્રણ રાખવા માગશે. આ માટે તેઓ જાહેર ક્લાઉડના બદલે પોતાના નિયંત્રણ હેઠળના ડેટા સેન્ટર્સ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે છે. ભારતમાં પણ સોવરીન AI અંગે ચર્ચા ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશો આ દિશામાં વધુ આગળ વધી ચૂક્યા છે.
આમ, AIનો વધતો ઉપયોગ ભારત માટે માત્ર ટેક્નોલોજી ક્ષેત્રની તક નથી, પરંતુ ટેલિકોમ, ફાઇબર નેટવર્ક અને ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓ માટે પણ મોટું બજાર ઊભું કરી રહ્યો છે.
આ પણ વાંચો: Sandesh Explainer: સોનાના ભાવમાં કડાકો, સામાન્ય ગ્રાહકો દૂર થયા; પણ ચીન-પોલેન્ડ આપી રહ્યું છે લાંબો સંકેત !