જો તમે કપડાનો નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો અથવા તમારા એક્ઝિસ્ટિંગ બિઝનેસ માટે બલ્કમાં માલ ખરીદવો છે, તો રિટેલ દુકાનોને બદલે દેશના મોટા હોલસેલ કાપડ બજારો (Wholesale Textile Markets)ની મુલાકાત લેવી જોઈએ. ભારત વિશ્વભરમાં ટેક્સટાઇલનું મોટું કેન્દ્ર છે, જ્યાં અલગ-અલગ શહેરો પોતાની ખાસિયત મુજબ સસ્તા અને ગુણવત્તાયુક્ત કાપડ માટે જાણીતા છે. ચાલો જાણીએ દિલ્હી, જયપુર, લુધિયાણા, બનારસ અને મુંબઈના એવા 5 મોટા બજારો વિશે જ્યાંથી તમે બજેટ ફ્રેન્ડલી ખરીદી કરી શકો છો.
દિલ્હીની ગાંધી નગર માર્કેટ અને શાંતિ મોહલ્લા
દેશની રાજધાની દિલ્હીમાં આવેલી ગાંધી નગર માર્કેટ એશિયાના સૌથી મોટા રેડીમેડ ગારમેન્ટ્સ બજારોમાંની એક છે. જો તમારે ટી-શર્ટ, પેન્ટ્સ કે બાળકોના કપડાંનો વ્યાપાર કરવો હોય તો આ બેસ્ટ પ્લેસ છે, જ્યાં એક જ ડિઝાઇનના 12-12 પીસના સેટ ખૂબ જ સસ્તા ભાવે મળે છે. આ ઉપરાંત, સીલમપુર પાસે આવેલ 'શાંતિ મોહલ્લા' થાનના કાપડ (Running Fabric) માટે હોલસેલનું મોટું હબ છે.
જયપુરનું 'પુરોહિત જી કા કટલા'
રાજસ્થાનનું પિંક સિટી જયપુર માત્ર ફરવા માટે જ નહીં પરંતુ પરંપરાગત કાપડ માટે પણ મશહૂર છે. અહીની સૌથી મોટી હોલસેલ કાપડ બજાર જોહરી બજાર પાસે આવેલી “પુરોહિત જી કા કટલા” છે. જો તમે જયપુરી બાંધણી, લહેરિયા, ગોટા પત્તી સાડીઓ, લહેંગા કે રાજસ્થાની પ્રિન્ટનું થાનનું કાપડ ખરીદવા માંગતા હોવ તો આ બજારથી ઉત્તમ કોઈ જગ્યા નથી.
પંજાબનું લુધિયાણા (ભારતનું માન્ચેસ્ટર)
પંજાબના લુધિયાણાને કાપડ ઉદ્યોગને કારણે 'ભારતનું માન્ચેસ્ટર' કહેવામાં આવે છે. લુધિયાણા ખાસ કરીને ઊની કપડાં (Woolen Clothes) અને હોઝિયરીના રેડીમેડ કલેક્શન માટે આખા દેશમાં પ્રખ્યાત છે. અહીની 'ગુરુ મંડી' સૌથી જૂની થોક બજાર છે. આ સિવાય અક્કલ ગઢ માર્કેટ, મિનર્વા માર્કેટ અને એ.સી. માર્કેટ પણ હોલસેલ ખરીદી માટે ખૂબ જ લોકપ્રિય છે.
બનારસનું ગોદૌલિયા બજાર
ઉત્તર પ્રદેશનું બનારસ (વારાણસી) પોતાની શુદ્ધ બનારસી સિલ્ક સાડીઓ માટે વિશ્વવિખ્યાત છે. સિલ્કના કપડાં, બ્રાઇડલ વેર અને જરી વર્કના હોલસેલ વ્યાપાર માટે બનારસનું 'ગોદૌલિયા બજાર' (Godowlia Market) મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત થેટેરી બજાર, મદનપુરા અને જુલાઈયા માર્કેટ પણ ટેક્સટાઇલ બિઝનેસ માટે એક્સપ્લોર કરવા જેવી જગ્યાઓ છે.
મુંબઈની મુલજી જેઠા માર્કેટ
જો તમારે સાડી, ડ્રેસ મટીરિયલ કે પ્રીમિયમ રનિંગ ફેબ્રિકની હોલસેલ ખરીદી કરવી હોય, તો દક્ષિણ મુંબઈમાં ઝવેરી બજાર પાસે આવેલી 'મુલજી જેઠા માર્કેટ' (M.J. Market) સૌથી મોટું પ્લેસ છે. આ જ વિસ્તારમાં આવેલી મંગળદાસ માર્કેટ પણ કાપડના હોલસેલ વેપારીઓ માટે સ્વર્ગ સમાન છે, જ્યાં દરેક પ્રકારની વરાયટી મળી રહે છે.
આ પણ વાંચો:Iran Oil: અમેરિકાની કડક નાકાબંધી છતાં ઈરાન ચીનને વેચી રહ્યો છે અબજોનું તેલ!