દુનિયા માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ગત 13 એપ્રિલથી બંધ છે. ઈરાન બાદ હવે અમેરિકાએ પણ અહીં કડક નાકાબંધી કરી દીધી છે. આમ છતાં, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને અમેરિકી યુદ્ધજહાજોની નજર સામેથી ઈરાન દરરોજ લાખો બેરલ કાચું તેલ આખી દુનિયામાં વેચી રહ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ઈરાન આ કાળા કારોબાર માટે એક ખાસ 'શેડો ફ્લીટ' એટલે કે ગુપ્ત બેડાનો ઉપયોગ કરી રહ્યું છે, જેના દ્વારા તે અમેરિકાની આંખમાં ધૂળ નાખવામાં સફળ રહ્યું છે.
શું છે ઈરાનનો આ સિક્રેટ જુગાડ?
અહેવાલો અનુસાર, હોર્મુઝની પૂર્ણ નાકાબંધી પછી પણ ઈરાને અંદાજે 70 મિલિયન બેરલ તેલ વેચી માર્યું છે. ઈરાન સરેરાશ દરરોજ 1.5 મિલિયન બેરલ તેલ છૂપી રીતે સપ્લાય કરે છે. આ ખેલ પાછળ ઈરાનની ત્રણ મુખ્ય ચાલાકીઓ સામે આવી છે:
જૂના ટેન્કર્સ અને IRGCની સુરક્ષા
ઈરાન પોતાના કાચા તેલને સૌથી પહેલા જૂના અને નકામા થઈ ગયેલા ઓઈલ ટેન્કરોમાં ભરે છે. આ ટેન્કરોને એકસાથે હોર્મુઝમાંથી રવાના કરવામાં આવે છે. ટેન્કરોની સુરક્ષા માટે નાની બોટમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના સૈનિકો સાથે મોકલવામાં આવે છે, જેઓ ખૂબ જ ઝડપથી ચીન, ઈન્ડોનેશિયા અને મલેશિયા તરફ આગળ વધે છે.
કાળું તિરપાલ અને શાહીનો પ્રયોગ
અમેરિકી સેટેલાઇટ અને રડાર સ્કેનિંગથી બચવા માટે ઈરાન આ જૂના ટેન્કરોના ઓફિશિયલ નંબરોને શાહીથી ભૂંસી નાખે છે. આ ઉપરાંત, જહાજની ઉપરના હિસ્સાને કાળા તિરપાલથી ઢાંકી દેવામાં આવે છે જેથી આકાશમાંથી તેનો અસલી આકાર ન પકડાય. ઓમાનની ખાડી વટાવ્યા બાદ ઈરાન જે-તે દેશોની જળસીમાના અધિકારીઓ સાથે પહેલેથી જ અંડરગ્રાઉન્ડ સંપર્ક સાધી લે છે.
મોટો હાઈ-રિસ્ક પ્લાન
અમેરિકી હુમલાથી બચવા ઈરાન એકસાથે એક કરતા વધુ ટેન્કરો રવાના કરે છે. જો કે, આ ગેમ પ્લાન સંપૂર્ણ સુરક્ષિત નથી. અત્યાર સુધીમાં અમેરિકાએ હોર્મુઝની બહાર ઈરાનના ૨ ઓઈલ ટેન્કરોને ધ્વસ્ત પણ કર્યા છે, છતાં ઈરાન આ મોટો આર્થિક આ આંકડો મેળવવામાં સફળ રહ્યું છે.
નાકાબંધી છતાં કમાણીનો આંકડો ચોંકાવનારો
અમેરિકાએ ઓમાનની ખાડીમાં પોતાના સબળ યુદ્ધજહાજો ઉતાર્યા હોવા છતાં તેને ધારવી સફળતા મળી નથી. છેલ્લા 45 દિવસમાં ઈરાન 70 મિલિયન બેરલ અને માત્ર વિતેલા મહિનામાં જ 45 મિલિયન બેરલ તેલ વેચી ચૂક્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો, વર્ષ 2025માં પણ અમેરિકી પ્રતિબંધોની ઐસીતૈસી કરીને ઈરાને 31 બિલિયન ડોલરનું તેલ વેચ્યું હતું, અને આ વર્ષે પણ તેનો આ આંતરરાષ્ટ્રીય જુગાડ તેજીથી ચાલી રહ્યો છે. સૌથી વધુ તેલ ખરીદનારા દેશોમાં ચીન મોખરે છે.
આ પણ વાંચો:Indian Mangoes:જાપાને જે ભારતીય કેરીને ફગાવી, તેને ખરીદવા સિંગાપોરમાં મચી લૂંટ,સુપરમાર્કેટ્સમાંથી મિનિટોમાં સ્ટોક ખાલી!