ભારતના ટેક્સી માર્કેટમાં મોટો ઉલટફેર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં ઓલા (Ola) અને ઉબેર (Uber) નું પ્રભુત્વ રહ્યું છે, પરંતુ હવે વિયેતનામની જાણીતી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની વિનફાસ્ટ (VinFast) એ ભારતીય ટેક્સી માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. કંપની ભારતમાં માત્ર પ્રાઇવેટ ઇલેક્ટ્રિક ગાડીઓ વેચવા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ હવે સામાન્ય જનતા માટે પોતાની ઇલેક્ટ્રિક ટેક્સી સેવા પણ શરૂ કરવા જઈ રહી છે. વિનફાસ્ટે ભારતમાં 'Green SM' (ગ્રીન એસએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) નામથી પોતાના બિઝનેસની સત્તાવાર શરૂઆત કરી દીધી છે.
ડ્રાઇવરો માટે બમ્પર પગાર
એક અહેવાલ અનુસાર, ગ્રીન એસએમ કંપની ઉત્તર ભારતમાં મોટા પાયે પગપેસારો કરવા જઈ રહી છે. કંપની શરૂઆતમાં 10,000 'વિનફાસ્ટ લિમો ગ્રીન' (VinFast Limo Green) ઇલેક્ટ્રિક એમપીવી (MPV) કારો રસ્તા પર ઉતારવાની યોજના ધરાવે છે. આ વિશાળ કાફલાને ચલાવવા માટે કંપનીએ ડ્રાઇવરોની ભરતી પણ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અનુસાર, કંપની પોતાના ડ્રાઇવરોને દર મહિને 35,000 રૂપિયાથી લઈને 40,000 રૂપિયા સુધીનો શાનદાર ફિક્સ પગાર આપી રહી છે.
