મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલની વચ્ચે તુર્કીએ ડિફેન્સ સેક્ટરમાં એક એવો નિર્ણય લીધો છે જેણે મહાસત્તા અમેરિકા સહિત દુનિયાના કેટલાય દેશોને ચોંકાવી દીધા છે. તુર્કીએ પહેલીવાર પોતાની સંરક્ષણ ક્ષમતાનો વિસ્તાર કરતા અણુશસ્ત્રો લઈ જવા માટે સક્ષમ એવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) બનાવવાની યોજના સત્તાવાર રીતે જાહેર કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ તુર્કી ‘યિલ્દિરિમહાન’ (Yildirimhan) નામની એક અત્યંત ઘાતક મિસાઇલ તૈયાર કરશે, જેની પ્રહાર ક્ષમતા આશરે 6000 કિલોમીટર સુધીની હશે. તુર્કીથી ભારત અને અમેરિકાનું અંતર અંદાજે 5 હજાર કિલોમીટર છે, જેનો અર્થ એ થયો કે આ બંને દેશો પણ આ મિસાઇલની ઝપેટમાં આવી શકે છે.
ડિફેન્સ એક્સપોમાં થયો મોટો ખુલાસો
બીબીસી ટર્કિશના અહેવાલ મુજબ, તુર્કીના સંરક્ષણ મંત્રાલયે ઇસ્તંબુલમાં યોજાયેલા SAHA 2026 સંરક્ષણ પ્રદર્શન (Defense Exhibition) દરમિયાન આ મેગા પ્રોજેક્ટનો ખુલાસો કર્યો છે. તુર્કી વાયુસેનાની તાકાત વધારવા માટે આ મિસાઇલ લાવવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, મિસાઇલના પ્રમોશન માટે જાહેર કરવામાં આવેલા સત્તાવાર વીડિયોના મેપમાં અમેરિકા અને ભારત સુધી તેની પહોંચ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
અમેરિકાની કેમ વધી ચિંતા?
સામાન્ય રીતે અમેરિકા તેના ક્ષેત્ર સુધી પહોંચી શકે તેવી મિસાઇલ ટેકનોલોજીના વિકાસનો સખત વિરોધ કરે છે. મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ (MTCR) ના નિયમો હેઠળ કોઈ પણ દેશ પર 300 કિમીથી વધુ રેન્જની મિસાઇલ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક નજર રાખવામાં આવે છે. તાજેતરમાં જ પાકિસ્તાને જ્યારે આવી મિસાઇલ બનાવવાની વાત કરી હતી ત્યારે અમેરિકાએ તેની સામે પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી હતી. હવે તુર્કી જેવો નાટો (NATO) નો સહયોગી દેશ અમેરિકાને નકશામાં રાખીને વીડિયો જાહેર કરે તે ઘણી મોટી બાબત છે.
કેટલી ખતરનાક છે આ મિસાઇલ?
ચાર શક્તિશાળી રોકેટ એન્જિન ધરાવતી આ મિસાઇલ અવાજની ગતિ કરતાં 25 ગણી વધુ ઝડપે (Mach 25) પોતાના ટાર્ગેટ તરફ આગળ વધવા સક્ષમ હશે. યિલ્દિરિમહાન મિસાઇલમાં બળતણ તરીકે પ્રવાહી નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવશે. આ મિસાઇલ આશરે 3,000 કિલોગ્રામ (3 ટન) જેટલો ભારે દારૂગોળો અથવા પિલોડ વહન કરી શકે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત લાલ રેખા (500 કિલોગ્રામ) કરતાં ઘણી વધારે છે. તુર્કીના જણાવ્યા અનુસાર હજુ આ મિસાઇલનું ટેસ્ટિંગ બાકી છે અને આ અંગે હજુ સુધી ભારત કે અમેરિકા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
આ પણ વાંચો:US: સાઉદી અરેબિયા અને યુએઈ અમેરિકા વિરુદ્ધ દુશ્મન જેવા નિર્ણયો કેમ લઈ રહ્યા છે