પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવ, કાચા તેલના ભાવમાં તેજી અને રૂપિયામાં નબળાઈના કારણે ગયા અઠવાડિયે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. તેના પરિણામે દેશની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 9 કંપનીઓના માર્કેટ કેપમાં કુલ મળીને અંદાજે રૂ. 3.12 લાખ કરોડનો ઘટાડો નોંધાયો.
ભારતી એરટેલનું માર્કેટકેપ વધ્યું
સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયું હતું. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 2,090 પોઈન્ટ એટલે કે 2.7 ટકા તૂટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 532 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. ટોપ-10 કંપનીઓમાં માત્ર ભારતી એરટેલનું માર્કેટ કેપ વધ્યું હતું. કંપનીનું માર્કેટ કેપ રૂ. 42,470 કરોડ વધી રૂ. 11.60 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 1.34 લાખ કરોડ ઘટીને રૂ. 18.08 લાખ કરોડ રહ્યું હતું.
