ટોરેન્ટ ગ્રુપની ફ્લેગશિપ કંપની ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (Q1 FY27) માટે મજબૂત પરિણામ જાહેર કર્યા છે. કંપનીની કુલ આવક વર્ષ દરમિયાન 55 ટકા વધીને ₹4,921 કરોડ પહોંચી છે. ઓપરેટિંગ EBITDA 61 ટકા વધીને ₹1,664 કરોડ થયું છે, જ્યારે EBITDA માર્જિન 33.8 ટકા અને ગ્રોસ માર્જિન 76.4 ટકા નોંધાયો છે. કંપનીનો ટેક્સ બાદનો નફો ₹566 કરોડ રહ્યો છે.
ભારતના બિઝનેસે રેકોર્ડ ઓર્ગેનિક વૃદ્ધિ નોંધાવી
કંપનીના બેઝ બિઝનેસની આવક ₹3,720 કરોડ રહી, જે ગયા વર્ષની સરખામણીએ 17 ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન ભારતના બિઝનેસે રેકોર્ડ ઓર્ગેનિક વૃદ્ધિ નોંધાવી છે. ભારતમાં કંપનીની આવક ₹2,157 કરોડ રહી, જેમાં 19 ટકાનો વધારો થયો છે. AIOCD PharmaTracના આંકડા મુજબ ભારતીય ફાર્મા માર્કેટની વૃદ્ધિ 12 ટકા રહી હતી, જ્યારે ટોરેન્ટે તેનાથી વધુ વૃદ્ધિ હાંસલ કરી છે. કંપની હવે ભારતીય કાર્ડિયાક માર્કેટમાં પ્રથમ ક્રમે પહોંચી છે. ઉપરાંત, Gx Semaglutideએ બજારમાં 36 ટકાનો હિસ્સો મેળવ્યો છે.
