ભારતમાં આ વર્ષે રજૂ થનાર બજેટ ઐતિહાસિક રહેશે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે બજેટ રવિવારના દિવસે રજૂ થશે.નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઇતિહાસ રચશે. સામાન્ય રીતે, બજેટ રજૂ કરવાની જવાબદારી નાણામંત્રીની હોય છે, પરંતુ દેશમાં કયારેક એવા પ્રસંગો પણ બન્યા છે જયારે નાણામંત્રી સિવાય આ મહત્વની વ્યક્તિઓએ સંસદમાં બજેટ રજૂ કર્યું છે.

1 ફેબ્રુઆરીના દિવસે સંસદમાં રજૂ થશે બજેટ

છેલ્લા કેટલાક સમયથી 1 ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ થાય છે. આ વખતે 1 ફેબ્રુઆરી રવિવારનો દિવસ છે અને આ જ દિવસે Union Budget 2026 સંસદમાં રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું હોવાથી સરકારી ઓફિસો પણ આ દિવસે ખુલ્લી રહેશે. ભારતીય ઇતિહાસના એવી સ્થિતિ પણ સર્જાઈ છે જ્યારે નાણામંત્રીની ગેરહાજરીમાં તત્કાલ સરકારના વડાપ્રધાન દ્વારા જાતે સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કેમ અને કયારે નાણામંત્રી સિવાય વડાપ્રધાન દ્વારા બજેટ રજૂ કરાયું હતું. જાણો ભારતીય ઇતિહાસની બજેટ સાથેની આ રસપ્રદ માહિતી.

નાણાંપ્રધાનના બદલે વડાપ્રધાને રજૂ કર્યું બજેટ, જાણો કારણ

1958-59 : જવાહરલાલ નેહરુ

1958-59 માં સૌ પ્રથમ વખત એવું બન્યું કે નાણામંત્રીના સ્થાને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સંસદમાં બજેટ રજૂ કર્યું. આ પાછળનું કારણ એ હતું કે તત્કાલીન નાણામંત્રી, ટી.ટી. કૃષ્ણમાચારીનું એક કૌભાંડમાં સંડોવણી સામે આવી હતી. જેના કારણે તેમને ૧૯૫૮ના રોજ રાજીનામું આપ્યું હતું. તેમના બાદ નાણા મંત્રાલયનો હવાલો વડા પ્રધાન નહેરુએ સંભાળ્યો હોવાથી પોતે બજેટ રજૂ કર્યું.

1970 : ઇન્દિરા ગાંધી

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ પિતાના પગલે ચાલી 1970માં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. 1969માં ઇન્દિરા ગાંધીની સરકારમાં મોરારજી દેસાઈ નાણામંત્રી હતા. આ સમયે તેમણે અચાનક નાણામંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. એટલે મોરારજી દેસાઈનો નાણા મંત્રાલયનો હવાલો સ્વંય ઇન્દિરા ગાંધી લીધો. ઇન્દિરા ગાંધીએ 28 ફેબ્રુઆરી, 1970ના રોજ બજેટ રજૂ કર્યું હતું. મોરારજી દેસાઈનું રાજીનામું આપવા પાછળનું કારણ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતી તેવી ચર્ચા હતી. એવું કહેવાતું હતું કે પંડિત જવાહરલાલ નેહરુના મૃત્યુ બાદ ઇન્દિરા ગાંધી વડા પ્રધાન બનતા મોરારજી દેસાઈએ વિરોધ કર્યો હતો અને નાણામંત્રી પદે રાજીનામું આપ્યું.

1987-88 : રાજીવ ગાંધી

1987-88માં રાજીવ ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું. બોફોર્સ તોપ સોદા કૌભાંડની તપાસના પગલે વીપી સિંહનો રાજીવ ગાંધી સાથેનો સંઘર્ષ વધતો ગયો. વીપી સિંહ પર રાજીનામું આપવાનું દબાણ કરવામાં આવ્યું. બજેટના થોડા સમય પહેલા જાન્યુઆરી 1987માં રાજીનામું આપ્યા બાદ, રાજીવ ગાંધીએ નાણા મંત્રાલય જાળવી રાખીને બજેટ રજૂ કર્યું. 


આ પણ વાંચો : Union Budget 2026: જાણો દેશનું પહેલું રેલ્વે બજેટ કોણે રજૂ કર્યું હતું અને ત્યારે કેટલા કરોડ ખર્ચાયા હતા?