કેન્દ્રીય બજેટ 2026 માં સરકારે 'વિકસિત ભારત'નો મજબૂત રોડમેપ રજૂ કરતા સુધારા, રોકાણ અને યુવા શક્તિ પર ભાર મૂક્યો છે. બજેટમાં જાહેર કરાયા મુજબ, છેલ્લા કેટલાક મહિનામાં 350 થી વધુ સુધારા અમલમાં મૂકીને વિકાસની ગતિ તેજ કરવામાં આવી છે. ભારતને વૈશ્વિક બાયો-ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં રૂ. 10,000 કરોડના ‘બાયોફાર્મા શક્તિ’ મિશનની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, સેમીકન્ડક્ટર ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવા 'ઈન્ડિયા સેમીકન્ડક્ટર મિશન 2.0' અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે રૂ. 40,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે ટેકનોલોજીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે.
રિફોર્મ એક્સપ્રેસ પાટા પર
MSME સેક્ટર અને માળખાકીય સુવિધાઓ માટે પણ બજેટમાં મહત્ત્વની જોગવાઈઓ છે. નાના ઉદ્યોગોને વેગ આપવા રૂ. 10,000 કરોડનું 'SME ગ્રોથ ફંડ' અને અનુપાલન (Compliance) માં રાહત આપવા માટે પેરા-પ્રોફેશનલ્સની મદદ લેવાની દરખાસ્ત મુકાઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મૂડીખર્ચ વધારીને રૂ. 12.2 લાખ કરોડ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જળમાર્ગોના વિકાસ પર ભાર મૂકતા આગામી પાંચ વર્ષમાં 20 નવા જળમાર્ગો અને વારાણસી તથા પટનામાં જહાજ રિપેરિંગ ઈકોસિસ્ટમ વિકસાવવાની યોજના છે. આ વ્યૂહાત્મક પગલાંઓ દ્વારા સરકાર ઉદ્યોગ, રોજગાર અને નિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે કટિબદ્ધ છે.













