ભારતનું કેન્દ્રીય બજેટ 2026 માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ તે દેશના ટોચના અર્થશાસ્ત્રીઓ અને સચિવોની લાંબી વિચાર પ્રક્રિયાનું પરિણામ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં આ ટીમ 'મેક્રો-ઇકોનોમિક' વ્યુહરચના અને મહેસૂલી સુધારા પર ખાસ ધ્યાન આપી રહી છે. આ ટીમમાં નાણા સચિવ અજય સેઠ અને આર્થિક બાબતોના સચિવ અનુરાધા ઠાકુરની ભૂમિકા મહત્વની છે, જેઓ દેશના જીડીપી ગ્રોથ અને રોકાણના આંકડાઓને સંતુલિત કરે છે. મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરન દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈકોનોમિક સર્વે આ બજેટનો પાયો છે, જે આવનારા વર્ષમાં દેશની આર્થિક દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે.
બજેટ 2026 ના 'સુપર સિક્સ'
બીજી તરફ, સરકારી તિજોરીમાં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાની જવાબદારી મહેસૂલ સચિવ અરવિંદ શ્રીવાસ્તવ અને ખર્ચ સચિવ વુમલુનમાંગ વુઅલનામ પર છે. ટેક્સના દરોમાં ફેરફાર અને સરકારી યોજનાઓમાં નાણાંની ફાળવણી પાછળ આ નિષ્ણાતોની દીર્ધદ્રષ્ટિ હોય છે. આ સાથે, એમ. નાગરાજૂ નાણાકીય સેવાઓના સચિવ તરીકે બેંકિંગ અને વીમા ક્ષેત્રે મહત્વના સુધારાનું સંચાલન કરી રહ્યા છે. આ નીતિ નિર્ધારકોની ટીમનું મુખ્ય લક્ષ્ય એસેટ મોનેટાઇઝેશન અને ખર્ચમાં શિસ્ત જાળવીને ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધારવાનું છે.













