ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને ઓગસ્ટ 2026માં UPIએ ટ્રાન્ઝેક્શનની સંખ્યાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ઓગસ્ટ દરમિયાન UPI મારફતે કુલ 24.51 અબજ એટલે કે 2451 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય રૂ.29.82 લાખ કરોડ રહ્યું હતું.

UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 22 ટકાનો વધારો

ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા જુલાઈના 23.66 અબજની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી છે. જૂનમાં 22.72 અબજ અને મેમાં 23.20 અબજ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં 19.63 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. એટલે કે એક વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં આશરે 22 ટકાનો વધારો થયો છે.

ટ્રાન્ઝેક્શનના મૂલ્યની વાત કરીએ તો ઓગસ્ટમાં રૂ.29.82 લાખ કરોડના UPI પેમેન્ટ થયા હતા. જોકે આ આંકડો મે અને જુલાઈ 2026માં નોંધાયેલા રૂ.29.9 લાખ કરોડના રેકોર્ડ કરતાં થોડો ઓછો છે. તેમ છતાં ગયા વર્ષે ઓગસ્ટમાં નોંધાયેલા રૂ.24.85 લાખ કરોડની સરખામણીએ આ વર્ષે ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં આશરે 20 ટકાનો વધારો થયો છે.

તહેવારોની સિઝનની દેખાઈ અસર

UPI ટ્રાન્ઝેક્શનમાં વધારા પાછળ તહેવારોની સિઝન પણ એક મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. રક્ષાબંધન જેવા તહેવારો દરમિયાન લોકો વચ્ચે પૈસાની લેવડદેવડ, ગિફ્ટ ખરીદી અને નાના-મોટા વેપારીઓને ડિજિટલ પેમેન્ટમાં વધારો જોવા મળ્યો હતો. આગામી તહેવારોની સિઝનમાં UPIના ઉપયોગમાં હજુ વધુ વધારો થવાની શક્યતા છે.

11 દેશો UPIને સ્વીકારવા લાગ્યા

UPIની પહોંચ હવે ભારત પૂરતી મર્યાદિત રહી નથી. આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિસ્તરી રહી છે. હાલમાં 11 દેશોમાં UPI સ્વીકારવામાં આવે છે. તેમાં સિંગાપોર, UAE, ફ્રાન્સ, મોરિશિયસ, નેપાળ, ભૂટાન, કતાર, શ્રીલંકા, કંબોડિયા અને ગ્રીસ ઉપરાંત ઉઝબેકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ઓગસ્ટના આંકડા દર્શાવે છે કે UPI હવે લોકોના રોજિંદા જીવનમાં ડિજિટલ પેમેન્ટનું મહત્વનું માધ્યમ બની ગયું છે. ખાસ કરીને વ્યક્તિગત ટ્રાન્સફર, દુકાનોમાં ચુકવણી અને અન્ય નાના-મોટા વ્યવહારો માટે લોકો UPI પર વધુ નિર્ભર બની રહ્યા છે.

આ પણ વાંચો : UPI Payment: ઇન્ટરનેટ વગર પૈસા મોકલવાની સુવિધા; જાણો 123PAY સર્વિસ કેવી રીતે કામ કરે છે