ઘરેલુ શેરબજારમાં લિસ્ટેડ દિગ્ગજ માઈનિંગ કંપની વેદાંતાના ફાઉન્ડર અને ચેરમેન અનિલ અગ્રવાલ સામે છત્તીસગઢ સરકારે એફઆઈઆર નોંધાવી છે. આ કેસ કંપનીના એક પ્લાન્ટમાં થયેલા દુર્ઘટના સાથે જોડાયેલો છે, જેમાં અનિલ અગ્રવાલ સહિત 10 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 23 કામદારોના મોત નિપજ્યા હતા. એફઆઈઆર નોંધાયા બાદ અત્યાર સુધી અનિલ અગ્રવાલ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બીજી તરફ, ઉદ્યોગ જગતના અનેક મોટી હસ્તીઓએ તેમના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે.
વેદાંતાના ચેરમેનના સમર્થનમાં કોણ?
કુરુક્ષેત્રથી સાંસદ અને જિંદાલ સ્ટીલ અને પાવરના ચેરમેન નવિન જિંદાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં અનિલ અગ્રવાલનું નામ એફઆઈઆરમાં સામેલ કરવું ગંભીર ચિંતાનો વિષય છે. તેમના અનુસાર, જે પ્લાન્ટમાં દુર્ઘટના બની છે, તેની કામગીરીમાં અનિલ અગ્રવાલની સીધી ભૂમિકા નહોતી.
નવિન જિંદાલે વધુ એક પોસ્ટમાં ઉદ્યોગ સંસ્થાઓને ટૅગ કરીને આ મામલે પ્રતિક્રિયા આપવાની અપીલ કરી. તેમની પોસ્ટ પર પારસ ગ્રુપના પ્રવેશ જૈને જવાબ આપતા જણાવ્યું કે, “નવિન જિંદાલજી, તમારું દિલ ક્યાં છે? છત્તીસગઢમાં 20થી વધુ પરિવારો તબાહ થઈ ગયા છે—પિતા, પતિ અને પુત્રોએ આ પ્લાન્ટમાં જીવ ગુમાવ્યા છે, તેમના ઘરના કમાઉ સભ્યો હંમેશ માટે ખોઈ દીધા છે.”
વિજય કેડીયાએ શું કહ્યું?
દિગ્ગજ રોકાણકાર વિજય કેડીયાએ પણ X પર એક ક્રિપ્ટિક પોસ્ટ દ્વારા અનિલ અગ્રવાલનું સમર્થન કર્યું. તેમણે લખ્યું કે જો ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં પ્રમોટર સામે એફઆઈઆર થાય તો ટ્રેન અકસ્માતમાં રેલવે મંત્રી અને વિમાન દુર્ઘટનામાં એવિએશન અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. તેમની જવાબદારી એકસરખી હોવી જોઈએ, પસંદગીયુક્ત નહીં હોવી જોઈએ તેવો મુદ્દો ઉઠાવ્યો.
Infosysના પૂર્વ સીએફઓએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે અનિલ અગ્રવાલ સામે એફઆઈઆર નોંધાવવી યોગ્ય નથી, કારણ કે જ્યાં વ્યક્તિની સીધી જવાબદારી ન હોય ત્યાં પરોક્ષ રીતે તેને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. અનિલ અગ્રવાલે એફઆઈઆર અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ 14 એપ્રિલે થયેલા વિસ્ફોટ બાદ તેમણે પીડિતોને દરેક સંભવિત મદદ કરવાની ખાતરી આપી હતી. પ્રાથમિક તપાસમાં ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગે પ્લાન્ટમાં સુરક્ષા નિયમોના પાલનમાં બેદરકારી દર્શાવી છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને મેનેજમેન્ટ તેમજ સંબંધિત કર્મચારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. ઘટનાના ચોક્કસ કારણોની વિગતવાર તપાસ હજુ ચાલુ છે.
આ પણ વાંચો : હવાઈ મુસાફરી પર મોંઘવારીનું 'ગ્રહણ', ઇંધણના ભાવ વધતા વૈશ્વિક ફ્લાઇટ્સમાં કાપ!