આગામી મહિનાઓ વિશ્વભરના હવાઈ મુસાફરો માટે અત્યંત પડકારજનક સાબિત થઈ શકે છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ તેમજ હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આની સૌથી મોટી અને સીધી અસર જેટ ઇંધણ (ATF) પર પડી છે, જેના કારણે વિશ્વની અગ્રણી એરલાઇન્સ કંપનીઓની આર્થિક સ્થિતિ કથળી રહી છે.
મોટી એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ શેડ્યૂલમાં કાપ
ઇંધણના વધતા ખર્ચને પહોંચી વળવા માટે KLM, યુનાઇટેડ એરલાઇન્સ, લુફ્થાન્સા અને કેથે પેસિફિક જેવી દિગ્ગજ એરલાઇન્સે તેમના ઓપરેશનમાં કાપ મૂકવાની શરૂઆત કરી દીધી છે. ડેટા અનુસાર, મે મહિનામાં વૈશ્વિક ફ્લાઇટ ક્ષમતામાં 3% નો ઘટાડો નોંધાયો છે. ઘણી કંપનીઓએ વધુ ઇંધણ વાપરતા જૂના વિમાનોને ગ્રાઉન્ડેડ (સેવા બહાર) કરી દીધા છે, જેથી ખર્ચ પર નિયંત્રણ લાવી શકાય.
મુસાફરો પર આર્થિક બોજ
ફ્લાઇટ્સની સંખ્યા ઘટતા સીટોની ઉપલબ્ધતા ઓછી થઈ છે, જેનું પરિણામ વિમાનના ભાડામાં જંગી વધારા તરીકે જોવા મળી રહ્યું છે. ઘણી એરલાઇન્સે લાંબા અંતરની ફ્લાઇટ્સ પર $400 (આશરે ₹33,000) સુધીનો વધારાનો ઇંધણ સરચાર્જ લગાવવાનું શરૂ કર્યું છે. આનાથી મધ્યમ વર્ગના મુસાફરો માટે હવાઈ સફર એક લક્ઝરી બની રહી છે.
વૈશ્વિક કનેક્ટિવિટી પર ખતરો
સૌથી ચિંતાજનક બાબત એ છે કે એરલાઇન્સ હવે એવા રૂટ બંધ કરી રહી છે જે આર્થિક રીતે ઓછા નફાકારક છે. આના કારણે નાના શહેરો અને વિકાસશીલ દેશોની વૈશ્વિક કનેક્ટિવિટી કપાઈ રહી છે. યુરોપમાં જેટ ઇંધણનો સ્ટોક મર્યાદિત હોવાની ચેતવણી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ આપી છે, જે સૂચવે છે કે આગામી ઉનાળાની મુસાફરી સીઝન પ્રવાસીઓ માટે મુશ્કેલ બની શકે છે.
આ પણ વાંચોઃ UPમાં સ્માર્ટ મીટરના વિરોધ સામે સરકારનો મોટો નિર્ણય, જૂના મીટર બદલવાની પ્રક્રિયા કરાઇ સ્થગિત