સમગ્ર દેશ આજે 19 એપ્રિલ 2026, રવિવારના રોજ અક્ષય તૃતીયાની ઉજવણી કરી રહ્યો છે. નાના રોકાણકારો સંપત્તિ નિર્માણ માટે ફરી એકવાર બુલિયન (સોનું-ચાંદી) ને મનપસંદ વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. હિન્દુ કેલેન્ડરમાં સૌથી શુભ પ્રસંગોમાંના એક ગણાતા આ તહેવારને સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે સોનું ખરીદવાથી લાંબા સમય સુધી ટકી રહે તેવી સંપત્તિ પ્રાપ્ત થાય છે.


સોનાએ આપ્યું 63 ટકાનું બમ્પર વળતર

છેલ્લી અક્ષય તૃતીયાથી અત્યાર સુધી એટલે કે માત્ર એક વર્ષમાં સોનાના ભાવમાં 63 ટકા વળતર જોવા મળ્યું છે. આ સમયમાં સોનામાં જોવા મળેલી સૌથી મજબૂત તેજી પૈકીની એક છે. ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ, કેન્દ્રીય બેંકો દ્વારા સતત ખરીદી અને રોકાણની વધતી માંગને કારણે સોનાના ભાવમાં આ ઉછાળો આવ્યો છે.

કેડિયા એડવાઇઝરીના આંકડા મુજબ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ અક્ષય તૃતીયાની આસપાસ સતત સારા રહ્યા છે:

  • 2020: 47% થી વધુ વળતર
  • 2021: 2.5% વળતર
  • 2024: 21.5% વળતર
  • 2025: 30.3% વળતર
  • 2026 (17 એપ્રિલ સુધી): 63.4% વળતર

એક્સિસ સિક્યોરિટીઝનો અહેવાલ

એક્સિસ સિક્યોરિટીઝના રિપોર્ટ મુજબ, સોનામાં કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) દ્વારા સંપત્તિ વધારવાની જબરદસ્ત ક્ષમતા છે. 2016 થી 2026 ના લાંબા ગાળામાં સોનાએ 18% CAGR (સાલાના ચક્રવૃદ્ધિ વિકાસ દર) હાંસલ કર્યો છે. MCX સોનાનો દર 30 એપ્રિલ 2025 ના રોજ આશરે 94,611 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે 18 એપ્રિલ 2026 સુધીમાં વધીને 1,54,609 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.

શું સોનું 2 લાખ રૂપિયા સુધી પહોંચશે?

આગામી અક્ષય તૃતીયા સુધીમાં MCX સોનાનો દર વધીને 2 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે. ડિસેમ્બર 2026ના અંત સુધીમાં કિંમતો 15% વધીને આશરે 1,75,000 રૂપિયા થઈ જશે. ગ્રાહકો હવે વોલ્યુમ કરતાં વેલ્યુ (Value over Volume) ની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. ભાવ વધુ હોવાથી લોકો ભારે ઘરેણાંના બદલે સોનાના સિક્કા, બાર અથવા હળવા ઘરેણાં (18-કેરેટ) ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

બજારનું નવું સમીકરણ

જાન્યુઆરી 2026 માં સોનાની કિંમત 10 ગ્રામ દીઠ આશરે 1.8 લાખ રૂપિયા ના શિખર પર પહોંચી ગઈ હતી. જ્યાં સુધી રાજકોષીય ખાધ વધતી રહેશે અને વ્યાપાર નીતિ અનિશ્ચિત રહેશે, ત્યાં સુધી સોનું રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. આગામી અક્ષય તૃતીયા સુધીમાં સોનાના ભાવ 2,00,000 રૂપિયા સુધી પહોંચી જાય તો તેમાં કોઈ નવાઈ નથી.

Disclaimer : આ માહિતી વિવિધ રિપોર્ટ્સ પર આધારિત છે અને માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. સંદેશ ન્યૂઝ આ માહિતીની કોઈ સત્તાવાર પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો- Meta layoffs : મેટામાં છટણીનો હાહાકાર! 16 હજાર કર્મચારીઓની જશે નોકરી, કારણ શું?

  • Follow us on: