ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરને લઈને ગ્રાહકોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો હતો. આ વધતા વિવાદને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (UPPCL) એ એક મોટો વહીવટી નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા પર આગામી આદેશ સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.
ચેરમેનનો કડક આદેશ અને ટેકનિકલ તપાસ
પાવર કોર્પોરેશનના ચેરમેન ડૉ. આશિષ ગોયલે રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ) ને સ્પષ્ટ સૂચના આપી છે કે ટેકનિકલ કમિટી તેનો તપાસ અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી સ્માર્ટ મીટર લગાવવાનું કામ સંપૂર્ણપણે બંધ રાખવું. રાજ્ય સરકારે 12 એપ્રિલે એક ઉચ્ચ સ્તરીય ટેકનિકલ સમિતિની રચના કરી હતી, જે મીટરમાં આવતી ટેકનિકલ ખામીઓ, ગ્રાહકોની ફરિયાદો અને મીટરના રીડિંગમાં આવતા તફાવતની તપાસ કરી રહી છે.
ગ્રાહકોનો સ્માર્ટ મીટરને લઇને વિરોધ કેમ?
રાજ્યના અનેક જિલ્લાઓમાં ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે તેમની સંમતિ લીધા વિના બળજબરીપૂર્વક જૂના મીટર બદલવામાં આવી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજળીના બિલમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે લોકોમાં વીજ વિભાગ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. અનેક સ્થળોએ વીજ કર્મચારીઓનો ઘેરાવો પણ કરવામાં આવ્યો હતો, જેને પગલે પરિસ્થિતિ તંગ બની હતી.
78 લાખ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા
ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં અંદાજે 78 લાખ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે, જેમાંથી 70.50 લાખ મીટર પ્રીપેડ શ્રેણીના છે. જોકે, નવા નિર્ણય મુજબ,હાલમાં જે ગ્રાહકો પાસે જૂના મીટર છે, તે બદલવાની કામગીરી સ્થગિત રહેશે. પરંતુ, જે ગ્રાહકો નવા વીજ જોડાણ (New Connection) માટે અરજી કરશે, તેમને ફરજિયાતપણે સ્માર્ટ પ્રીપેડ મીટર જ આપવામાં આવશે.
તપાસ સમિટીનો રિપોર્ટ બાદ આગળ પ્રોજેક્ટનું કામ થશે
સરકારે ખાતરી આપી છે કે આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ ગ્રાહકનું વીજ જોડાણ કાપવામાં આવશે નહીં. તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જ સરકાર નક્કી કરશે કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટને કેવી રીતે આગળ વધારવો અથવા તેમાં કયા સુધારા કરવા. હાલ પૂરતો આ નિર્ણય લાખો વીજ ગ્રાહકો માટે મોટી રાહત સમાન માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Italy માં ગુરૂદ્વારા બહાર 2 ભારતીય નાગરિકોની ગોળી મારીને કરાઇ હત્યા, હુમલાખોર ફરાર