ઇટાલીના બર્ગામો પ્રાંતના કોવો શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં ગુરુદ્વારામાંથી બહાર નીકળી રહેલા બે ભારતીય નાગરિકોની અજાણ્યા શખ્સ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હુમલો શુક્રવારે મધ્યરાત્રિએ થયો હતો, જ્યારે શીખ સમુદાય વૈશાખીના ઉત્સવની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત હતો.
હુમલાખોરે અત્યંત નજીકથી કર્યો ગોળીબાર
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, આ હુમલો કોવોના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા માતા સાહિબ કૌર જી ની સામેના ચોકમાં થયો હતો. મૃતકોની ઓળખ 48 વર્ષીય રાગીન્દર સિંહ (કોવોના રહેવાસી) અને 48 વર્ષીય ગુરમીત સિંહ (અગ્નાડેલોના રહેવાસી) તરીકે કરવામાં આવી છે. હુમલાખોરે અત્યંત નજીકથી ગોળીબાર કર્યો હતો, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
'કોલ્ડ બ્લડેડ મર્ડર'ની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં આ કોઈ અચાનક થયેલો ઝઘડો નહીં, પરંતુ "ઠંડા લોહીવાળી અને પૂર્વયોજિત હત્યા" હોવાનું જણાય છે. ઘટનાસ્થળેથી તપાસકર્તાઓને દસ જેટલા ખાલી કારતૂસ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હુમલાખોર સંપૂર્ણ તૈયારી સાથે આવ્યો હતો. એક પ્રત્યક્ષદર્શીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે હુમલાખોર પણ એક ભારતીય વ્યક્તિ જ હતો, જે વારંવાર આ ગુરુદ્વારામાં આવતો હતો. આ ગોળીબારમાં અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો હોવાના અહેવાલ છે.
હુમલાખોર હજુ પણ ફરાર
હુમલાખોર ગુનાને અંજામ આપીને કારમાં બેસીને ફરાર થઈ ગયો હતો. ઇટાલિયન સુરક્ષા એજન્સીઓએ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને હુમલાખોરને પકડવાની કાર્યવાહી તેજ કરી છે. જે સમયે આ હુમલો થયો, તેના બીજા જ દિવસે શનિવારે વૈશાખીની મોટી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ લોહિયાળ ઘટનાએ ખુશીના માહોલને માતમના માહોલમાં ફેરવી નાખ્યો છે. આ ઘટનાએ વિદેશમાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં સ્થાનિક ભારતીય સંગઠનો આ મામલે ન્યાયની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Strait of Hormuz : 'કોઈ મૂર્ખના ટ્વિટ પર નહીં, ઇમામ ખામેનેઇના આદેશ પર હોર્મુઝ ફરીથી ખોલાશે' ઇરાની નૌકાદળની ખુલ્લી ચેતવણી