વૈશ્વિક ટેક જગતમાં ભારતીય પ્રતિભાનો ડંકો ફરી એકવાર વાગ્યો છે. લોકપ્રિય ફિનટેક પ્લેટફોર્મ CREDના ફાઉન્ડર અને જાણીતા ઉદ્યોગસાહસિક કુનાલ શાહને વિશ્વના સૌથી મોટા મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppના ગ્લોબલ હેડ (વૈશ્વિક વડા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત પદ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય ચીફ એક્ઝિક્યુટિવ બન્યા છે. શાહ હવે વિલ કેથકાર્ટનું સ્થાન લેશે અને આ મોટી જવાબદારી સંભાળવા માટે બેંગલુરુથી કેલિફોર્નિયા સ્થિત મેટા (Meta)ના હેડક્વાર્ટર શિફ્ટ થશે.


મેટાએ CREDમાં કર્યો મોટો રોકાણ

આ ઐતિહાસિક જાહેરાતની સાથે જ મેટા પ્લેટફોર્મ્સે કુનાલ શાહની કંપની CREDમાં $900 મિલિયન (આશરે ₹7,500 કરોડથી વધુ) ના રોકાણની જાહેરાત કરી છે. આ ડીલ હેઠળ મેટા ક્રેડમાં 20% હિસ્સેદારી ખરીદશે, જેનાથી ક્રેડનું વેલ્યુએશન $4.5 બિલિયન (આશરે ₹43,239 કરોડ) થઈ જશે. આ ફેરફાર બાદ કુનાલ શાહ ક્રેડમાં ઓપરેટિંગ જવાબદારીઓમાંથી મુક્ત થશે, પરંતુ શેરહોલ્ડર તરીકે જોડાયેલા રહેશે.

ફિલોસોફીથી શરૂ થઈ સફર

અમદાવાદમાં જન્મેલા અને મુંબઈમાં ઉછરેલા કુનાલ શાહનો બેકગ્રાઉન્ડ કોઈ ટેકનિકલ નથી. તેમણે મુંબઈની વિલ્સન કોલેજમાંથી ફિલોસોફી (તત્વજ્ઞાન)માં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે MBAમાં એડમિશન લીધું પણ અભ્યાસ અધૂરો છોડી દીધો. વર્ષ 2010માં તેમણે 'ફ્રીચાર્જ' (FreeCharge) કંપની શરૂ કરીને બિઝનેસ જગતમાં એન્ટ્રી કરી, જેને 2015માં સ્નેપડીલે $400 મિલિયનમાં ખરીદી લીધી હતી.

CREDની સફળતા અને એન્જલ ઇન્વેસ્ટર

2018માં કુનાલ શાહે ક્રેડ (CRED) એપ્લિકેશનની શરૂઆત કરી. શરૂઆતમાં ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ પર રિવોર્ડ આપતી આ કંપની આજે લૅન્ડિંગ, ઇન્સ્યોરન્સ અને વેલ્થ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં કરોડો યુઝર્સ ધરાવે છે. ક્રેડની સફળતાની સાથે કુનાલ શાહ ભારતના સૌથી સક્રિય એન્જલ ઇન્વેસ્ટર્સમાંના એક બન્યા છે, જેમણે સેંકડો સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કર્યો છે.

શા માટે મેટાએ કુનાલ શાહને પસંદ કર્યા?

મેટાના ચીફ પ્રોડક્ટ ઓફિસર ક્રિસ કોક્સે જણાવ્યું કે, "જ્યારે વિલ કેથકાર્ટે પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે અમને એવા લીડરની જરૂર હતી જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં વોટ્સએપના ગ્લોબલ પ્રોડક્ટ માર્કેટને સારી રીતે સમજી શકે. કુનાલ શાહ આ માટે સૌથી શ્રેષ્ઠ અને સ્પષ્ટ પસંદગી તરીકે ઉભરી આવ્યા." સુંદર પિચાઈ (Google), સત્ય નાડેલા (Microsoft) અને નીલ મોહન (YouTube) બાદ હવે કુનાલ શાહનું નામ પણ ગ્લોબલ ટેક લીડર્સની યાદીમાં ગર્વથી ઉમેરાઈ ગયું છે.

આ પણ વાંચો:Chinaના સીતાફળ પ્રેમે વધારી તાઇવાનની ટેન્શન, જાણો શું છે ડર


  • Follow us on: