ચીન અને તાઇવાન વચ્ચેનો વિવાદ જગજાહેર છે. સામાન્ય રીતે બંને દેશો વચ્ચે સરહદ કે સૈન્ય ગતિવિધિઓને લઈને તણાવ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે વિવાદના કેન્દ્રમાં એક ફળ આવ્યું છે. આ ફળ છે 'સીતાફળ' (Sugar Apple). ચીને તાજેતરમાં તાઇવાનથી સીતાફળની ખરીદી વધારવાના સંકેત આપ્યા છે. આ સમાચારથી તાઇવાનના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ તાઇવાન સરકાર ભારે ચિંતામાં મુકાઈ ગઈ છે અને તેણે આ અંગે એલર્ટ પણ જાહેર કર્યું છે.


શું છે તાઇવાન સરકારનો ડર?

તાઇવાનના તાઇતુંગ વિસ્તારમાં મોટા પાયે સીતાફળની ખેતી થાય છે અને ચીન તેનો સૌથી મોટો ખરીદદાર રહ્યું છે. તાઇવાનના કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચીન પહેલા ખેડૂતોને પોતાના વિશાળ બજારની લાલચ આપે છે અને જ્યારે ખેડૂતો સંપૂર્ણપણે ચીન પર નિર્ભર થઈ જાય છે, ત્યારે તે રાજકીય દબાણ લાવવા માટે વેપારના નિયમો બદલી નાખે છે. તાઇવાનને ડર છે કે ચીન ભવિષ્યમાં આ આર્થિક નિર્ભરતાનો ઉપયોગ બ્લેકમેલિંગ અથવા રાજકીય હથિયાર તરીકે કરી શકે છે.

2021માં ચીન રમી ચૂક્યું છે આ જ ગેમ

આ અગાઉ વર્ષ 2021માં ચીને કીટકો (જીવાત) હોવાનું બહાનું કાઢીને તાઇવાનના અનાનસ (પાઈનેપલ) અને સીતાફળની આયાત પર અચાનક પ્રતિબંધ મૂકી દીધો હતો. જેના કારણે તાઇવાનના હજારો ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. બાદમાં 2023માં મર્યાદિત મંજૂરી આપી અને 2024માં તેના પર અલગથી ટેક્સ ઠોકી દીધો. ચીનની આ વારંવાર બદલાતી નીતિઓ ખેડૂતો માટે મોટી આર્થિક અસ્થિરતા ઊભી કરે છે.

ડ્રેગનની નવી ચાલ અને તાઇવાનનો પ્લાન

હાલમાં જ ચીનના ઝિયામેન શહેરમાં યોજાયેલા એક બિઝનેસ ઇવેન્ટમાં ચીની કંપનીઓએ તાઇવાનથી સીતાફળ, ચા અને માછલીની ખરીદી વધારવાની ખાતરી આપી છે. તાઇવાન સરકારે આ ઇવેન્ટનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ કેટલાક સ્થાનિક નેતાઓ અને વેપારીઓ તેમાં સામેલ થયા હતા.

બીજી તરફ, ચીન હવે પોતાના દેશમાં જ સીતાફળની ખેતી વધારી રહ્યું છે, જે ભવિષ્યમાં તાઇવાની ખેડૂતો માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. આથી, તાઇવાન સરકારે ખેડૂતોને માત્ર ચીન પર નિર્ભર ન રહેવા અને નવા આંતરરાષ્ટ્રીય બજારો શોધવા અપીલ કરી છે. સરકાર હવે સીતાફળમાંથી જ્યુસ, પ્યુરી અને વાઈન જેવા પ્રોસેસ્ડ ઉત્પાદનો બનાવીને વૈશ્વિક બજારમાં વેચવાની યોજના પર કામ કરી રહી છે, જેથી ખેડૂતોની કમાણી સુરક્ષિત રહી શકે.

આ પણ વાંચો:Qatar: ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, 18 લોકો ગુમ, વૈશ્વિક બજારમાં ચિંતા

  • Follow us on: