કતારમાં રવિવારે રાત્રે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં રાસ લફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા 'બર્ઝાન' ગેસ સપ્લાય પ્લાન્ટમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને પગલે પ્લાન્ટમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા 54 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે 18 લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ માત્ર કતાર જ નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે.
પ્લાન્ટ ફરી શરૂ કરતા પહેલા જ થયો વિસ્ફોટ
મળતી માહિતી પ્રમાણે તાજેતરના સમયમાં ઈરાન દ્વારા હોર્મુઝના સ્ટ્રેટ પર લગાવાયેલા પ્રતિબંધો અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે કતારનું ગેસ ઉત્પાદન ઠપ થઈ ગયું હતું. હાલમાં જ્યારે યુદ્ધવિરામ અને શાંતિની વાટાઘાટો ચાલી રહી હતી અને ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પરથી પોતાની પકડ ઢીલી કરી હતી, ત્યારે કતાર ફરી એકવાર તેના ગેસ નિકાસ ટર્મિનલને કાર્યરત કરવાના પ્રયાસમાં હતું. રવિવારે આ પ્લાન્ટને ફરી શરૂ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ આ અચાનક વિસ્ફોટ થયો.
આશરે 1.4 અબજ સ્ટાન્ડર્ડ ક્યુબિક ફૂટ ગેસનું કરે છે ઉત્પાદન
કતારની સરકારી કંપની 'કતાર એનર્જી'ના જણાવ્યા અનુસાર, બર્ઝાન ગેસ પ્લાન્ટ દેશ માટે અત્યંત વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. આ પ્લાન્ટ દરરોજ આશરે 1.4 અબજ સ્ટાન્ડર્ડ ક્યુબિક ફૂટ ગેસનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ગેસનો ઉપયોગ મુખ્યત્વે સ્થાનિક વીજળી ઉત્પાદન અને રણ પ્રદેશમાં આવેલા મહત્વપૂર્ણ ડિસેલિનેશન પ્લાન્ટ્સ (મીઠું પાણી બનાવતા પ્લાન્ટ્સ) ચલાવવા માટે કરવામાં આવે છે. આથી, આ પ્લાન્ટમાં લાગેલી આગ અને થયેલું નુકસાન કતારની સ્થાનિક ઉર્જા સુરક્ષા અને પાણી પુરવઠા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
18 લોકો ગુમ થયા
ઘટના બાદ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં ઘાયલોની સંખ્યા ઓછી જણાઈ હતી, પરંતુ કતારના ગૃહ મંત્રાલયે બાદમાં જે આંકડા જાહેર કર્યા તે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. હાલમાં 18 લોકો ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. આ દુર્ઘટના એવા સમયે ઘટી છે જ્યારે કતાર ફરીથી પોતાની આર્થિક અને ઉર્જા ગતિવિધિઓને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
વિસ્ફોટને કારણે વૈશ્વિક બજારને અસર
આ વિસ્ફોટની અસર માત્ર કતાર પૂરતી મર્યાદિત નહીં રહે, કારણ કે કતાર વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ ઉત્પાદકોમાંનું એક છે. પ્લાન્ટમાં થયેલું નુકસાન કેટલું મોટું છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે, પરંતુ આ ઘટનાએ યુદ્ધ રાહત વચ્ચે એક નવી મુશ્કેલી ઊભી કરી છે જે વૈશ્વિક ઉર્જા બજારને અસર કરી શકે છે.
આ પણ વાંચોઃ ભારતનું એક એવું ગામ જ્યાં ભારતીય રૂપિયા જ નથી ચાલતા! કારણ જાણીને ચોંકી ઉઠશો