ભારતના બેંકિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર થવાના સંકેત છે. અબજોપતિ પ્રેમ વત્સાની આગેવાની હેઠળની કેનેડાની નાણાકીય કંપની Fairfax Financial Holdings, IDBI બેંકમાં 60.72% હિસ્સો ખરીદવા માટે ₹52,878 કરોડની ઓફર સાથે સફળ ખરીદદાર તરીકે પસંદ થઈ છે. કંપનીનો હેતુ માત્ર બેંકનું નિયંત્રણ મેળવવાનો નથી, પરંતુ IDBIને બેંકિંગ, વીમા, રોકાણ બેંકિંગ અને વેલ્થ મેનેજમેન્ટ જેવી સેવાઓ આપતી મોટી નાણાકીય સંસ્થા બનાવવાનો છે. જોકે, સોદો પૂર્ણ થવા માટે હજુ જરૂરી નિયમનકારી અને અન્ય મંજૂરીઓ મળવાની બાકી છે.

₹81 પ્રતિ શેરની ઓફર, સરકારના અંદાજ કરતાં વધુ

Fairfaxએ IDBI બેંકના 60.72% હિસ્સા માટે પ્રતિ શેર ₹81ની ઓફર આપી છે. આ હિસ્સામાં કેન્દ્ર સરકારનો 30.48% અને LICનો 30.24% હિસ્સો સામેલ છે. સરકારના સ્વતંત્ર મૂલ્યાંકન મુજબ શેરની કિંમત ₹75.99 હતી. એટલે Fairfaxની ઓફર આ મૂલ્યાંકન કરતાં વધારે છે. 31 માર્ચ 2026ના રોજ IDBI બેંકની નિયમનકારી બુક વેલ્યૂ પ્રતિ શેર ₹51.85 હતી. તેની સરખામણીમાં Fairfaxની ઓફર લગભગ 56% પ્રીમિયમ પર છે. જ્યારે અંતિમ બોલીઓ મંગાવતાં પહેલાં 18 મેના રોજ શેરનો ભાવ ₹70.38 હતો. તેની સામે પણ ઓફર લગભગ 15% વધારે છે. સોદો પૂર્ણ થયા પછી Fairfax પાસે 60.72% હિસ્સો અને બેંકનું સંચાલકીય નિયંત્રણ આવશે. કેન્દ્ર સરકાર પાસે 15% અને LIC પાસે 19% હિસ્સો રહેશે. એટલે બંનેનો કુલ હિસ્સો 34% રહેશે.

એક જ છત નીચે બેંકિંગ, વીમો અને રોકાણ

Fairfaxની યોજના IDBI બેંકને પરંપરાગત બેંકિંગથી આગળ લઈ જવાની છે. કંપની પોતાની વીમા કંપનીઓ Go Digit General Insurance અને Go Digit Life Insuranceના હિતોને IDBI સાથે જોડવા માગે છે. આ ઉપરાંત Fairfax India Holdings મારફતે IIFL Capital Servicesમાં રહેલો હિસ્સો પણ આ યોજનાનો ભાગ છે. આ રીતે એક જ નાણાકીય પ્લેટફોર્મ પર ગ્રાહકોને બચત ખાતાં, લોન, જીવન વીમો, સામાન્ય વીમો, રોકાણ બેંકિંગ અને વેલ્થ મેનેજમેન્ટ જેવી સેવાઓ મળી શકે છે. Fairfaxની યોજના IDBIની શાખાઓ અને વિશાળ ગ્રાહકવર્ગનો ઉપયોગ કરીને આ સેવાઓનો વ્યાપ વધારવાની છે. બેંકના હાલના ગ્રાહકોને વીમા અને રોકાણની બીજી સેવાઓ પણ આપી શકાશે. આ રીતે આવકના નવા રસ્તા ખૂલવાની અને બજારમાં સ્પર્ધાત્મક સ્થિતિ મજબૂત થવાની શક્યતા છે.

એક સમયે RBIના કડક નિયંત્રણ હેઠળ હતી બેંક

IDBI બેંકની હાલની સ્થિતિ સુધી પહોંચવાની સફર સરળ રહી નથી. મે 2017થી માર્ચ 2021 સુધી બેંક RBIના Prompt Corrective Action (PCA) માળખા હેઠળ રહી હતી. નબળી સંપત્તિ ગુણવત્તા અને મૂડીની અછત જેવી મુશ્કેલીઓના કારણે બેંકને કેન્દ્ર સરકાર અને LIC તરફથી વારંવાર મૂડી સહાયની જરૂર પડી હતી. જોકે, ત્યારબાદ બેંકની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો અને તે ફરી નફાકારક બની. અહેવાલો અનુસાર, પાછલા નાણાકીય વર્ષમાં બેંકે આશરે ₹9,000થી ₹10,000 કરોડનો નફો નોંધાવ્યો હતો. આથી એક સવાલ પણ ઊભો થયો છે કે નફામાં પાછી ફરેલી બેંકમાં સરકાર પોતાનો નિયંત્રણકારી હિસ્સો કેમ વેચી રહી છે? સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે Fairfaxની મૂડી, અનુભવ અને નાણાકીય સેવાઓને જોડવાની યોજના IDBIને એક મોટી નાણાકીય સંસ્થા બનાવવાની તક આપી શકે છે.

સોદા સામે મંજૂરીઓ અને મૂલ્યાંકનનાં સવાલ

Fairfaxને બેંકનો હિસ્સો ખરીદવા માટે સફળ ખરીદદાર તરીકે પસંદ કરવામાં આવી છે, પરંતુ ખરીદી અને અન્ય વ્યવસાયોના એકીકરણ માટે જરૂરી સરકારી, નિયમનકારી, શેરધારકો અને અન્ય મંજૂરીઓ હજુ જરૂરી છે. Fairfaxએ પોતાના ત્રિમાસિક અહેવાલમાં પણ સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવહારો માટેના અંતિમ કરારો હજુ થયા નથી. ખાસ કરીને Go Digit અને IIFL Capitalના વ્યવસાયોને IDBI સાથે જોડવા માટે તેમનું યોગ્ય મૂલ્યાંકન, ચુકવણીની રીત અને સંચાલન વ્યવસ્થા મહત્ત્વની રહેશે. આ વ્યવસાયોનું યોગદાન IDBIમાં હિસ્સા અથવા અન્ય મંજૂર વ્યવસ્થા મારફતે થઈ શકે છે. આ વ્યવહાર IDBIના પોતાના નાણાંનો ઉપયોગ કરીને Fairfaxના વ્યવસાયોની ખરીદીમાં તો નહીં થાય ને, તે અંગે પણ સવાલો ઊભા થયા છે.

Fairfaxનો દાવો છે કે IDBIમાં વૈશ્વિક સ્તરની નાણાકીય સંસ્થા બનવાની ક્ષમતા છે. હવે આ યોજના વાસ્તવિકતામાં કેટલી સફળ થાય છે, તે મંજૂરીઓ, વ્યવસાયોના મૂલ્યાંકન અને લાંબા ગાળે શેરધારકોને મળતા લાભ પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો: Milk Price Hike: શા માટે આસમાને પહોંચે છે દૂધના ભાવ, જાણો શુ છે કારણ?