વિપ્રો 15,000 કરોડ રૂપિયાનું શેર બાયબેક કરવા જઈ રહી છે. કંપની પોતાના શેરહોલ્ડર્સ પાસેથી 60 કરોડ શેર પાછા ખરીદશે. આ માટે 5 જૂનને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી જેમના નામ કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં લાભાર્થી માલિક તરીકે નોંધાયેલા હશે, તેઓ બાયબેકમાં ભાગ લેવા પાત્ર ગણાશે. કંપનીએ બાયબેક પ્રાઈસ પ્રતિ શેર 250 રૂપિયા નક્કી કર્યો છે.

કંપનીના બોર્ડે 16 એપ્રિલે 15,000 કરોડ રૂપિયાના શેર બાયબેક પ્રોગ્રામને મંજૂરી આપી હતી. તેમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રુપના સભ્યો પણ ભાગ લેવાની યોજના ધરાવે છે. વિપ્રો લગભગ ત્રણ વર્ષ બાદ શેર બાયબેક કરી રહી છે. અગાઉ જૂન 2023માં કંપનીએ 12,000 કરોડ રૂપિયાનું બાયબેક કર્યું હતું, જેમાં 26.96 કરોડ ઈક્વિટી શેર 445 રૂપિયા પ્રતિ શેરના ભાવે પાછા ખરીદવામાં આવ્યા હતા.

2026માં અત્યાર સુધી વિપ્રોનો શેર 24% તૂટ્યો

વિપ્રોના શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શુક્રવાર, 22 મેના રોજ BSE પર શેર 203.10 રૂપિયે બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ અંદાજે 2.13 લાખ કરોડ રૂપિયા છે. આ શેર BSE 100 ઈન્ડેક્સનો ભાગ છે. વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં શેરમાં લગભગ 24 ટકાનો ઘટાડો નોંધાયો છે. માર્ચ 2026ના અંત સુધી પ્રમોટર્સ પાસે કંપનીમાં 72.62 ટકા હિસ્સેદારી હતી. BSE પર શેરનું 52 અઠવાડિયાનું ઉચ્ચ સ્તર 273.15 રૂપિયા અને નીચું સ્તર 186.50 રૂપિયા રહ્યું છે.

માર્ચ ત્રિમાસિકમાં નફામાં ઘટાડો

જાન્યુઆરી-માર્ચ 2026 ત્રિમાસિક દરમિયાન વિપ્રોનો નેટ કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 1.89 ટકા ઘટીને 3,501.8 કરોડ રૂપિયા રહ્યો હતો. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન નફો 3,569.6 કરોડ રૂપિયા હતો. કંપનીની કુલ આવક 7.6 ટકા વધીને 24,236.3 કરોડ રૂપિયા પહોંચી હતી. ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ત્રિમાસિકની સરખામણીએ નફામાં 12.2 ટકા અને આવકમાં 2.8 ટકાનો વધારો નોંધાયો હતો. કંપનીના IT સર્વિસ સેગમેન્ટે માર્ચ 2026 ત્રિમાસિકમાં 265.1 કરોડ ડોલરનું રેવન્યુ નોંધાવ્યું, જે વાર્ષિક ધોરણે 2.1 ટકા વધુ છે. સંપૂર્ણ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કંપનીનો નેટ નફો 0.47 ટકા વધીને 13,197.4 કરોડ રૂપિયા રહ્યો હતો, જ્યારે રેવન્યુ 3.96 ટકા વધીને 92,624 કરોડ રૂપિયા થયું હતું.

આ પણ વાંચો : World Bank: ઓઇલ સંકટે વધારી ચિંતા, 27 દેશોએ વર્લ્ડ બેંક પાસે માગી મદદ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.