ટેકનોલોજીની દુનિયામાંથી એક ખૂબ જ ચોંકાવનારી ચેતવણી સામે આવી છે. માઇક્રોસોફ્ટના AI ચીફ મુસ્તફા સુલેમાનના જણાવ્યા અનુસાર, આગામી 18 મહિનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એટલું સક્ષમ અને શ્રેષ્ઠ બની જશે કે તે મનુષ્યોના કમ્પ્યુટર સંબંધિત મોટાભાગના કાર્યો પોતાના હાથમાં લઈ લેશે. સુલેમાનનો દાવો છે કે આ અતિ ઝડપી પ્રગતિને કારણે ભવિષ્યમાં ઓફિસમાં કામ કરવાની રીત અને રોજગારની તકો પર ખૂબ મોટી અસર પડશે.
ભવિષ્યમાં AI સિસ્ટમ સરળ બનાવશે કામ
એક સમય હતો જ્યારે કાયદો (Law), એકાઉન્ટિંગ (CA) કે MBA ની ડિગ્રીને હાઈ-સેલરી જોબની સો ટકા ગેરંટી માનવામાં આવતી હતી. પરંતુ સુલેમાનના મતે, હવે સમય બદલાઈ રહ્યો છે. આગામી દોઢ વર્ષમાં માર્કેટિંગ, કોડિંગ અને મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં AI માણસો કરતાં વધુ સચોટતાથી કામ કરી શકશે. સામાન્ય ડેવલપર્સ કરતાં AI વધુ ઝડપથી કોડિંગ કરી રહ્યું છે, જેનાથી ખુદ OpenAI ના માલિક સેમ ઓલ્ટમેન પણ આશ્ચર્યચકિત છે. ભવિષ્યમાં AI સિસ્ટમ બનાવવી એ ગીત કંપોઝ કરવા કે બ્લોગ લખવા જેટલું સરળ બની જશે.
વાસ્તવિકતા અને જમીની હકીકત: શું ખરેખર નોકરીઓ જશે?
જો કે, આ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ મહત્વની છે. ટેક કંપનીઓ ભલે ગમે તેવા મોટા દાવા કરે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ એટલી ગંભીર જણાતી નથી.
વર્તમાન ટ્રેન્ડ પર એક નજર
હાલમાં વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કે અન્ય પ્રોફેશનલ્સ AI નો ઉપયોગ માત્ર પ્રાથમિક ડ્રાફ્ટિંગ અને ફાઇલો તપાસવા જેવા નાના કાર્યો માટે જ કરી રહ્યા છે. તે હજુ એટલું સર્વવ્યાપી નથી બન્યું કે કોઈની આખી નોકરી છીનવી લે. એક સંશોધન અનુસાર, AI ના સહકારથી સોફ્ટવેર ડેવલપર્સના કામનું ભારણ 20% જેટલું ઘટ્યું છે, એટલે કે તે હાલ પૂરતું સહાયક સાબિત થઈ રહ્યું છે. વળી, AI માંથી થતી કરોડોની કમાણી હાલ માત્ર મુઠ્ઠીભર મોટી ટેક કંપનીઓ પૂરતી જ સીમિત છે, તેની વ્યાપક અસર અન્ય નાના વ્યવસાયો પર હજુ સુધી જોવા મળી નથી.
બજારમાં ભયનો માહોલ કેમ છે?
જમીની હકીકત ગમે તે હોય, પરંતુ ભવિષ્યના જોખમોને કારણે આઈટી સેક્ટરમાં ડરનો માહોલ ચોક્કસ છે. રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે AI ના આગમન અને બદલાતા માળખાને લીધે વૈશ્વિક સ્તરે અંદાજે 49,000 લોકોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નોકરી ગુમાવવી પડી છે.
આ ભયની સૌથી મોટી અસર શેરબજાર પર જોવા મળી હતી, જ્યાં ઘણી સોફ્ટવેર સર્વિસ કંપનીઓના શેર ધડાધડ તૂટી પડ્યા હતા. ખાસ કરીને જ્યારે ટેક જાયન્ટ્સ એવા AI રોબોટ્સ માર્કેટમાં લાવી રહ્યા છે જે એકલા હાથે કલાકોનું ઓફિસ વર્ક મિનિટોમાં પૂરું કરી શકે, ત્યારે વ્યાવસાયિકોમાં પોતાની કારકિર્દી બચાવવાની ચિંતા વધવી સ્વાભાવિક છે. ટૂંકમાં, ભવિષ્યમાં પોતાની નોકરી ટકાવી રાખવા માટે માણસોએ AI કરતાં એક ડગલું આગળ રહીને અપસ્કિલ (Up-skill) થવું જ પડશે.
આ પણ વાંચોઃ Mexico માં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત