ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રણી કંપની એમેઝોને ચાલુ તહેવારો અને રજાઓની શોપિંગ સિઝનને ધ્યાનમાં રાખીને એક મોટી જાહેરાત કરી છે. કંપની અમેરિકા (US) માં 3,00,000 (૩ લાખ) થી વધુ કર્મચારીઓની ભરતી કરવા જઈ રહી છે. વર્ષના અંતિમ મહિનાઓમાં ઓનલાઈન શોપિંગમાં થનારા વિપુલ વધારાને પહોંચી વળવા માટે કંપની આ માળખું મજબૂત કરી રહી છે. નોંધપાત્ર બાબત એ છે કે ગયા વર્ષની સરખામણીમાં આ ભરતીમાં 20% નો વધારો થયો છે.

ભરતીમાં 20% નો મોટો ઉછાળો

અગાઉ 2025 ના સમયગાળા દરમિયાન એમેઝોને આશરે 2.5 લાખ લોકોને રોજગારી આપી હતી. જોકે, આ વર્ષે અંદાજે 50,000 વધુ લોકોને તક આપવાની યોજના છે. આ ભરતી પ્રક્રિયા ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવશે. આ જગ્યાઓ પૂર્ણ-સમય (Full-Time), પાર્ટ-ટાઇમ અને મોસમી (Seasonal) કરાર આધારિત રહેશે. આ ભરતી ખાસ કરીને યુએસ ઓપરેશન નેટવર્ક માટે છે, જેમાં ભારતમાં કામ કરતા લોકો માટે આ તક નથી.

કેવા પ્રકારનું કામ અને કેટલો પગાર મળશે?

આ નોકરીઓ મુખ્યત્વે વેરહાઉસ હેન્ડલિંગ, ઓર્ડર પેકિંગ, સૉર્ટિંગ અને ડિલિવરી નેટવર્ક સંબંધિત કાર્યો માટે રહેશે. કંપનીના જણાવ્યા મુજબ, મોસમી કર્મચારીઓને સરેરાશ $20 પ્રતિ કલાક (ભારતીય ચલણમાં આશરે રૂ. 1750) નો પગાર મળશે. પૂર્ણ-સમયના કર્મચારીઓ માટે સરેરાશ કલાકદીઠ કમાણી $24 સુધી પહોંચી શકે છે. જો કોઈ મોસમી કર્મચારી રોજ 8 કલાક કામ કરે છે, તો તે દૈનિક $160 (આશરે રૂ. 14,000) કમાઈ શકે છે.

આરોગ્ય સંભાળ સુવિધાઓ અને અરજી પ્રક્રિયા

કંપનીએ મોસમી કર્મચારીઓ માટે એક અન્ય મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે. 1 જાન્યુઆરી, 2027 થી અઠવાડિયામાં ઓછામાં ઓછા 30 કલાક કામ કરતા લાયક મોસમી કર્મચારીઓને હેલ્થકેર કવરેજ પણ પૂરું પાડવામાં આવશે, જેનો પ્રારંભિક ખર્ચ અઠવાડિયે માત્ર $5 રહેશે. અમેરિકામાં રહેતા ઉમેદવારો એમેઝોનની સત્તાવાર વેબસાઇટ [Amazon.com/localjobs](https://Amazon.com/localjobs) પર જઈને આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચોઃ Edible Oil Price Hike: તહેવારો પહેલાં મોંઘવારીનો મોટો ઝટકો! ખાદ્ય તેલ મોંઘાં થવાના સંકેત