વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાં સામેલ મેટાને ચીન તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ ચીન સરકારે મેટા દ્વારા એજન્ટિક AI સ્ટાર્ટઅપ Manusને લગભગ 2 અબજ ડોલરમાં ખરીદવાની ડીલ રોકી દીધી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી ક્ષેત્રે સ્પર્ધા સતત વધી રહી છે.
2 અબજ ડોલરની ડીલ રદ કરવાનો આદેશ
Manusને AI ક્ષેત્રમાં ઝડપથી ઉદયમાન સ્ટાર્ટઅપ તરીકે જોવામાં આવતો હતો અને મેટા આ અધિગ્રહણ દ્વારા પોતાની AI ક્ષમતાઓ વધુ મજબૂત બનાવવા માગતી હતી. ચીનની નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશને 27 એપ્રિલે આ 2 અબજ ડોલરની ડીલ રદ કરવાનો આદેશ આપ્યો. તપાસ દરમિયાન વિદેશી રોકાણ અને સંવેદનશીલ ટેકનોલોજીના સંભવિત નિયમ ભંગના મુદ્દા સામે આવ્યા હતા. ડિસેમ્બર 2025માં આ ડીલની જાહેરાત બાદ ચીની સત્તાવાળાઓએ તેની વિગતવાર તપાસ શરૂ કરી હતી. Manus મૂળ ચીનમાં શરૂ થયું હતું, પરંતુ બાદમાં તેનું મુખ્યાલય સિંગાપુરમાં ખસેડાયું હતું. 2025માં કંપનીએ જનરલ પર્પઝ AI એજન્ટ રજૂ કર્યો હતો, જે વેબ બ્રાઉઝિંગ, માર્કેટ રિસર્ચ, કોડિંગ અને ડેટા એનાલિસિસ જેવા જટિલ કામો સ્વયં કરી શકે છે.
