વિશ્વમાં ચોખાના નિકાસમાં ભારતનું વર્ચસ્વ છે, પરંતુ હાલમાં ભારત અને ઈરાન વચ્ચેનો ₹2000 કરોડનો બાસમતી ચોખાનો વેપાર જોખમમાં મુકાયો છે. આ કટોકટી પાછળનું મુખ્ય કારણ ઈરાની ચલણ રિયાલનું અમેરિકન ડોલર સામે ઐતિહાસિક સ્તરે ધોવાણ છે.

શું છે મુખ્ય મામલો?

ઈરાન અત્યાર સુધી ખાદ્યપદાર્થોની આયાત માટે સબસિડીયુક્ત એક્સચેન્જ રેટ આપતું હતું, જેના કારણે ભારતીય નિકાસકારો સરળતાથી વેપાર કરી શકતા હતા. જોકે, આર્થિક સંકડામણ અને વધતી મોંઘવારીને પહોંચી વળવા ઈરાન સરકારે આ સબસિડી અચાનક જ બંધ કરી દીધી છે. હવે સરકાર આ સબસિડીના નાણાં સીધા નાગરિકોના ખાતામાં જમા કરશે. આ ફેરફારને કારણે આયાતી ચોખા મોંઘા બન્યા છે અને અચોક્કસતાને લીધે ભારતીય નિકાસકારોએ પોતાના શિપમેન્ટ બંદરો પર જ રોકી દીધા છે.

ભારતીય ખેડૂતો અને વેપારીઓ પર આની શું અસર?

ભારત દર વર્ષે અંદાજે 22 મિલિયન ટન ચોખાની નિકાસ કરે છે, જેમાં ઈરાન પ્રીમિયમ બાસમતી ચોખાનો મોટો ગ્રાહક છે. સબસિડી હટતા પંજાબ અને હરિયાણાના ઉત્પાદકો ચિંતામાં છે. અગાઉ, અમેરિકન પ્રતિબંધોને કારણે ભારત અને ઈરાન વચ્ચે 'બાર્ટર સિસ્ટમ' એટલે કે તેલના બદલામાં વસ્તુઓ દ્વારા વેપાર થતો હતો, પરંતુ ભારત દ્વારા તેલની આયાત બંધ કરાતા બેંકિંગ વ્યવહારો પહેલેથી જ જટિલ હતા. હવે આ નવા નિર્ણયથી વેપારીઓના નફા પર સીધી અસર પડી છે અને પેમેન્ટ અટવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં મોટો પડકાર

ઈરાન સરકારનું માનવું છે કે સબસિડીનો લાભ વચેટિયાઓ લેતા હતા અને કાળાબજારી વધતી હતી. આ સિસ્ટમ બદલવાથી સામાન્ય જનતાને સીધો ફાયદો થશે, પરંતુ ભારત માટે આ આંતરરાષ્ટ્રીય બજારમાં એક મોટો આર્થિક પડકાર બનીને ઉભરી આવ્યો છે.

આ પણ વાંચોઃ Venezuela પછી અમેરિકા હવે પડોશી દેશમાં હુમલો કરશે, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત